અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/પ્રતીક્ષા જ છે હવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતીક્ષા જ છે હવે

નયના જાની

વ્યાકુળ હૃદયનું કામ પ્રતીક્ષા જ છે હવે,
મારગ અને મુકામ પ્રતીક્ષા જ છે હવે!

રાત્રીદિવસ ને માસવરસ, શું છે આ બધું?
પ્રત્યેક પળનું નામ પ્રતીક્ષા જ છે હવે!

કોઈના આગમનની અપેક્ષાની વેલ પર,
— પર્ણો ખર્યાં તમામ – પ્રતીક્ષા જ છે હવે!

એકદંડિયા મહેલની બારીયે બંધ છે,
આરંભ ને અંજામ પ્રતીક્ષા જ છે હવે!

છેલ્લે પગથિયે વ્યર્થ એ છાયાને શોધ ના,
નિઃસ્તબ્ધ જળને કામ પ્રતીક્ષા જ છે હવે!

એકાદ મધ્યરાત્રીએ જે ઝળહળી ગયું,
એ તેજનું ઇનામ પ્રતીક્ષા જ છે હવે!

પડઘાય અશ્વ ક્યાંક, અહીં ધૂળ ઊડતી,
આ ઝાંઝવાને ગામ પ્રતીક્ષા જ છે હવે!
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૫૭)