અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયન હ. દેસાઈ/તમે જશો ને…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તમે જશો ને…

નયન હ. દેસાઈ

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેડીયું ફરશે
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછીતે હોંકારાનો સૂરજ ઊગશે નહિ —
અને ઓશરીએ કલરવનાં પારેવાં ઊડશે નહિ
સમીસાંજના ધ્રુસ્કે ધ્રુસ્કે તુલસીક્યારો રડશે. — તમે જશો ને.

પીળચટ્ટા પાનેતર જેવું પછી કોઈ નહિ મલકે
પગલે પગલે ઓકળીઓના મોર પછી નહિ ટહુકે
તરફડતું એકાંત હશે ને ભણકારા ભાંભરશે. — તમે જશો ને.

ખળી, ઝાંપલી, વાડ, કૂવો, પગદંડી, ખેતર, શેઢા
બધાં તમારા સ્પર્શ વગરનાં પડી રહેશે રેઢાં
તમે ‘હતાં’–નું ઝાકળ પહેરી પડછાયાઓ ફરશે. — તમે જશો ને.
(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, ૧૯૭૯, પૃ. ૫૨)