અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/નેવલે બોલે કાગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નેવલે બોલે કાગ

નાથાલાલ દવે

નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર,
લીંપ્યુંગૂંપ્યું આંગણું, ચૂલે મેલ્યો રે કંસાર. — ને.

         ભીંતે ચાકળા ચંદરવા ને
                  ટોડલે તોરણ ઝૂલે,
         ફળિયે મ્હેકે ગુલછડી ને
                  ચંપો ફાલ્યો ફૂલે,

ભાલે બિંદી, નાકે વેસર, પહેરું નૌસર હાર,
રંગબેરંગી ચૂંદડી, હાથે ચૂડીના ખનકાર. — ને.

         અલકમલક ઓરતા ઉરે,
                  અલપઝલપ નેન;
         છૂટક છૂટક ચૂરમાં અને
                  ત્રુટક ત્રુટક વેણ.

ઢોલિયા ઢાળું, વીંઝણે ગૂંથું આભલાના શણગાર,
ગઢની રાંગે મોરલા ગહેકે, દિશ રેલે ટહુકાર. ને.

         સાવ સોનાને સોગઠે, મરમી!
                  ખેલજો રે ચોપાટ;
         ચાલમાં પડે ચૂક, તો વાયરે
                  વેરાઈ જાશે વાત.

નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર;
આગલે ભવે ક્યાંક મળ્યાના, ઉર જાણે અણસાર. ને.

(પિયા બિન, ૧૯૭૮, પૃ. ૭૬)