અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ગાયત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગાયત્રી

નિરંજન ભગત

પ્રાત :


સિન્ધુશય્યા પરે સૂતી સ્વપ્ને નીંદરમાં સરી.
આછેરાં અંચલો ધારી નગરદ્વીપ સુન્દરી;
મુખે છે મૃત્યુનો લેપ, ગીતનો સુરમો દૃગે,
ધીરેથી ઊછળે છાતી હૈયે શા હીરલા ઝગે;
મંદ શ્વાસ સમો વાયુ જેની સંગે રહ્યો રમી,
વેણીથી વીખરી છુટ્ટી છવાયેલી લટો સમી
રાત્રિના ભેજથી ભીની સ્નિગ્ધ ને શ્યામ શાંતિને
ટ્રેન ને ટ્રામનાં ચક્રે ચગદી – મારીય ભ્રાંતિને
કે હું તો નીંદમાં, સ્વપ્ને જોતો શાશ્વત તે બધું —
ઘેરા ઘર્ઘર નાદથી કંપે એથીય તે વધુ
દિશાઓ કંપવા લાગી આ અકસ્માત જોઈને.
પડેલું માર્ગની વચ્ચે શાંતિનું શબ, કોઈને
એના ના જાણ, ના ગંધા, કંપારી છૂટતાં ધ્રૂજે
માત્ર સૌ પથના દીવા, નેત્રો મીંચી જતા બૂઝે;
ક્ષિતિજે ડોકાતો સૂર્ય, પ્રેર્યો માત્ર કુતૂહલે,
(એક વાર ફરી કોઈ બ્હાને ઊગ્યો જ, તો ભલે!)
તાળવું ફાટતાંવેંત લોહી કેવુંક રેલતું.
આખાયે આભમાં રાતા રંગનું તેજ ફેલતું;
સીધાં સૌ ધાતુના માર્ગે, સમુદ્રે જે તરંગિત
સૂર્યનાં કિરણો કેવાં પ્રકાશે પ્રતિબિંબિત;
ભોંય-પે પાથર્યો ભેજ સૂર્યને શોષવો ઝટ,
હવામાં ઝૂલતું આછું ઝીણું ઝાકળનું પટ
છરીની ધાર-શા તીણા કિરણે શક્ય છેદવું;
આત્માનો ભેજ ને નેત્રે નિદ્રાનું ઘેન ભેદવું
કિન્તુ ના સ્હેલ, તે રાતો વધુ ને વધુ રોષમાં
તપ્ત તામ્ર સમો થાતો પાવકે પરિતોષમાં.
નિદ્રાનો આખરે ભંગ, વિહંગો સમ સૌ સ્મૃતિ
ટોળેટોળાં વળી બેઠી ચિત્તને વૃક્ષ, જાગૃતિ
ઉંદરે કૂદકો માર્યો ખૂલતી દૃગના દરે,
ભીતરે ભાગતો જ્યાં ત્યાં ચીસાચીસ કરે ડરે;
ભાગે બિલ્લીપગે છાનાં સ્વપ્નનાં પ્રેત (ક્યાં જતાં?)
અણુએ અણુમાં ધીરે પ્રવેશે છે સભાનતા.
આજુબાજુ હજુ ભીંતો છે એની એ જ કાલની,
ગતિ છે પાયમાં બન્ને હજુયે એ જ ચાલની;
અરીસે આકૃતિ જોતાં જીવતો જાગતો રહ્યો
આત્માને એમ આશ્ચર્ય આપતો નિજને લહ્યો;
એનો એ જ સ્વયં, એનું એ જ છે નામ, ના નવું;
હસીને પૂછવું એ જ પોતાને: આજ ક્યાં જવું?
નવી તારીખ તો માત્ર છાપામાં છાપવી, છતાં
ફાડ્યું કૅલેન્ડરે પાનું કાલનું જીર્ણ થૈ જતાં;
વ્હિસલો, રેડિયો વા તો ટકોરા ટાવરે સુણી
(નિયમિત વ્યવસ્થામાં અહીં સૌ એમનાં ઋણી).
આઘીપાછી મિનિટોને મેળવી, ક્યાંય કાળની
કમાનો ના રખે છટકે, કાંડાની ઘડિયાળની
જાળવી જાળવી ચાવી દીધી એમ નવી ફરી,
બીજીથી બારણે તાળું દીધું ને ગજવે ધરી;
નીચે જૈ ઊતરી શોધે દિશા, જે નકશે જડી?
ગમે તે પંથની પ્હેરી જાણે પવનપાવડી.
જવું ક્યાં? કેમ? ને ક્યાંથી? નક્કી ના લક્ષ્યનું સ્થલ;
નરકે સ્વર્ગની યાત્રા, સોનેરી સ્વપ્નનું છલ.
ધૂંધળી ચીમનીઓથી ધૂમ્રલેખા નભે ચડે
નિઃશ્વાસો એમ અંકાતા લોપાતા ક્ષણ આથડે,
રાત્રિના સૌ પ્રલાપોના પ્રતિધ્વનિ પડ્યા કરે
ચ્હાના પ્યાલારકાબી જે હોટલે ખખડ્યા કરે
બગાસું ખાઈને ખાસ્સું, સુરતીથી જે ભરી ભરી
આંખો બે હાથથી ચોળી, અંગે આળસ જે નરી
ખંખેરી, ત્યાગતી શય્યા નગરદ્વીપ સુન્દરી,
સ્વર્ગની અપ્સરા વા તો સ્વપ્નના લોકની પરી
એનું શું પળમાં જામે પશુમાં પરિવર્તન,
શિકારે નિત્યની જેમ આરંભે રુદ્ર નર્તન;
મુખે છે ગીતનો રાગ, મૃત્યુનો સુરમો દૃગે;
સૈકાથી સૌ સવારે આ કર્મનો ચરખો ચગે;
પામે સંસાર આ સારો સ્ફૂર્તિ ને તાજગી નવી,
નિવૃત્તિ માણતાં ત્યારે માત્ર વેશ્યા અને કવિ.

મધ્યાહ્ન


માયાવી નગરીમાં તે હશે અશક્ય શું કશું?
વીંઝે જ્યાં રાત ને દ્હાડો જાદુઈ કોઈ ફૂંક શું!
સૃષ્ટિ આ સપ્તરંગી જે સોહે છે ઇન્દ્રજાલ-શી,
નશો જ્યાં ઓસરી જાતાં ખોવાતી મસ્ત ખ્યાલ-શી;
ઘડી પ્હેલાં હતું જે કૈં એનું ના ચિહ્ન આ ઘડી;
ક્ષણો બે સાંધતી જાણે તૂટી ગૈ કાળની કડી;
અને સૌ આ ક્ષણે લાગે વજ્ર-શું દૃઢ જે નર્યું;
જુઠ્ઠું બુદ્બુદના જેવું મિથ્યા ને છલનાભર્યું :
અને આ ક્ષણની પૂંઠે સૃષ્ટિ તે શીય ર્‌હૈ રમી?
અકલ્પ્ય આપનારા કો હવેના સપના સમી;
હમણાં પક્ષઘાતે શું ગાત્રેગાત્ર રહી જતું,
પછી સૌ હિમના જેવું ઓગળીને વહી જતું;
હમણાં એકઠું થૈ સો એકત્વે આકૃતિ ધરે,
પછી વિચ્છિન્ન થૈ છૂટું તૂટું તૂટું થતું ખરે;
હમણાં જીવતું જેના અણુએ અણુ સ્પંદતા,
પછી સૌ મૃત્યુની મૂર્છા માણે આલસ્ય મંદતા;
હમણાં રંગબેરંગી પરી કે અપ્સરા રમે,
પછી સૌ ભૂતના જેવું સ્મશાને ભમતું ભમે,
વિચિત્ર વર્ણની લીલા, આકારો સ્થિર ના થતા,
રહસ્યો કૌતુકો કેવાં એકે એકે અહીં છતાં;
આવાં તો કૈંક મધ્યાહ્ને દૃશ્યો દીસે ઊંધાંચતાં,
પ્હોળા સૌ પંથ ને જ્યારે પવનો પાતળા થતા.
જિપ્સી મધ્યાહ્ન વેગીલો મુઠ્ઠીઓ દૃઢ વાળતો,
દીર્ઘ કૈં શ્વાસ લેતો ને દૃષ્ટિથી સર્વ ખાળતો,
ઓચિંતો સ્તબ્ધ ને મૂઢ ચોંક્યો, થંભ્યો, ઠરી ગયો;
રોપાયો ભોંયમાં દીસે, ફાટી આંખે ફરી ગયો,
ભાવિ આ શ્હેરનું એણે જોયું કે શું અચાનક?
કવીની દૃષ્ટિથી જોયું એવું તે શું ભયાનક?
કંપતો અંગઅંગે શું એથી સિક્ત જ સ્વેદથી,
‘આવતું વાદળું દેખી’ નાખે નિશ્વાસ ખેદથી?
કે પછી હાથ માથે જ્યાં મૂક્યો સ્ટ્રૉહૅટ ના જડી?
કોની તે ફૂંકથી ઊંચે આકાશે એ ગઈ ચડી?
વાયુ તો સડકો વચ્ચે ચત્તોપાટ પડ્યો હવે,
લુખ્ખી યે ખાય ના ખાંસી, નિદ્રામાં યે નહીં લવે;
એથી તો વાયુનો યે ના પડછાયો અહીં પડે.
જુવે છે આમ ને તેમ શોધ્યું કોઈ નહીં જડે.
રંકના ભાગ્ય-શી સૂની, લાંબી આયુષ્યના સમી
પહોળી આ સડકોને નીચે જે ના કદી નમી
ભૂખરા પથ્થરોની આ અમીરી સૌ ઇમારતો
છાયાથી યે નહીં સ્પર્શે; રખે ઝીલે ન ભાર તો!
એથી તો સર્વ છાયાને પાયામાં નિજ પૂરતી
જાણે ચાલી જવા બીજે સંકોચે હોય ઝૂરતી!
જુવે છે દૂર તો જાણે દિશાઓ સર્વ ભીંસતી,
કાંજી પીને પડી કોરી કેવી અક્કડ દીસતી.
જુવે છે આભ તો નીલું, લીસું, પ્લાસ્ટિકનું નર્યું,
પંખીનો ક્યાંય ના ડાઘો, લીંપેલું, સ્વચ્છ, નીતર્યું,
કરચલી અભ્રની છે ના, અસ્ત્રીબંધ, ન ભાંગતું;
છતાં આશાવિહોણા કો હૈયા-શું શૂન્ય લાગતું.
જુવે છે દૃશ્ય ને સ્થિર શાન્તિ ચોમેર ર્‌હૈ દમી,
ગ્રંથના પૃષ્ઠ-પે જાણે છાપેલી પંક્તિના સમી.
વચ્ચે વચ્ચે જરી જે આ ટ્રામ કે બસ આવતી.
લાલ પેન્સિલની લીટી તાણીને ઉપસાવતી.
સ્ટૅન્ડ-પે એક આ ટૅક્સી આવીને અહીં ક્યાંકથી
ક્યારની કોણ જાણે કે હાંફે છે બહુ થાકથી.
પોસ્ટરે ચીતર્યા માત્ર રીગલે બે જ માનવી,
મમી છે એ જ સૂતેલી મ્યુઝિયમેય, ના નવી
કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે,
શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે.
ક્ષણો આ સૂર્યથી સજ્જ વેશ્યાશી–જે અહીં ફરે,
લટારો મારતી શોધે ઘરાકો પગથી પરે.
જડે ના માનવી એકે, ગયાં ક્યાં સહુ આ સમે?
સ્વપ્નની સિદ્ધિને કાજે આશાની સૃષ્ટિમાં રમે,
કચેરી કારખાનાંમાં યુદ્ધો જ્યાં નિત્યનાં મચે,
કાળને જીવતા કાજે કર્મના વ્યૂહ કૈં રચે
રહસ્યો કૌતુકો આવાં છાનોમાનો લહી જતો,
જિપ્સી મધ્યાહ્ન વેગીલો ફરી પાછો વહી જતો.

'સાયં


ફરીને આથમ્યો સૂર્ય મંદ ને ગ્લાન ખેદથી,
મથ્યો આજેય તે વ્યર્થ એથી તો સિક્ત સ્વેદથી.
ચિતાનું ચિત્ર આ પેખી પોતાનું ભાવિ ભાખતા,
મૃત્યુશય્યા પરે સૂતા રુગ્ણો નિઃશ્વાસ નાખતા.
આખુંયે આભ તોજાણે વ્હીલું વ્હીલું રડી જશે,
એવું ઢીલું પડ્યું પોચું લાગે કે શું પડી જશે!
સમસ્ત દ્વીપ આ કેવો ઘડી તો ઓગળી ગયો,
વિશ્વે જે શૂન્યતા એની ભવ્યતામાં ભળી ગયો;
સમુદ્રે સૂર્ય તો ડૂબ્યો કિન્તુ એ તો તરી રહ્યો,
પ્રતીતિ આપતો એવી ચન્દ્ર આભે સરી રહ્યો,
ચોખાના લોટથી લીંપી રંગલો નિજ આસ્યને
શોકાન્ત નાટિકામાં શું રેલાવે મૂર્ખ હાસ્યને
શ્હેરના રાજમાર્ગો સૌ પાતળોને મળી જતા,
પમાતો પાર ના એવા વાંકાચૂંકા વળી જતા.
ઊંચાં સૌ આલયો ઊભાં પ્હેરો શું રાક્ષસો ભરે,
બળે સૌ બારીઓ એ તો ચક્ષુ અગ્નિ જહીં ઝરે.
બિલ્લી જે આ ગલીમાંથી જતી પેલી ગલી વિશે,
નિત્યના કર્મમાં લીન કોઈ ડાકણ એ મિષે.
અહીં યોગી સમા માત્ર પંથના દીપકો હસે,
નિષ્કંપ નેત્રથી — કેવી કરુણા ચિત્તમાં વસે! —
નિહાળે રમણીઓ જે લગ્ન નિત્ય નવાં કરે,
સરે જે સાથમાં સંગી એને જે બાહુમાં ધરે.
કાફેના દર્પણે શોભા સંકોરે વ્યસ્ત વેશની,
રંગે કૈં હોઠનું હાસ્ય, સમારે લટ કેશની,
કાયામાં કંપ કૉળે ત્યાં જાણે કો દિવ્ય રાસમાં
રાધા-શી રંગમાં નર્તે સંગે ડાન્સિંગ ક્લાસમાં;
રીગલે રમ્ય ચિત્રોનાં નેત્રમાં તેજ આંજતી,
ઘડી નિર્લજ્જ તો જાણે ઘડીમાં હોય લાજતી;
ગાંધર્વગીતના સૂરો અપ્સરાનાં નૂપુરના
શૂન્યની શાંતિમાં સર્જે સ્વર્ગસંગીત દૂરનાં,
વળી સુગંધ કૈં વ્હેતી મંદારપારિજાતની
અનંતે ઓપતી એથી ક્ષણો શ્યામલ રાતની
અનંતે? ના, મનુષ્યોની મિથ્યા આ છલના નરી,
ક્ષણો બે સંગમાં ર્‌હેતી નામ જે ‘લલના’ ધરી.
આજે સિદ્ધ થશે એવી આશાથી દૃઢ મંડિત
સવારે સ્વપ્ન જે સેવ્યું સાંજે તો ભગ્ન ખંડિત.
અપૂર્ણ જિંદગીની આ શૂન્ય જ એકલતા તણું
રહસ્ય રમણી રૂપે પ્રગટ્યું, સત્ય એ ગણું,
પામું જો પાર હું એનો... કેવી આત્મપ્રતારણા!
મૃત્યુને જિંદગી માને એવી મુગ્ધ જ ધારણા.
પૂર્ણ જ્યાં ભ્રમણા ત્યાં સૌ પાછા શૂન્ય ઘરે ફરે,
આ તો સૌ નિત્ય જન્મે ને પાછાં નિત્ય જ જે મરે!
(પરંતુ કૈંક એવાંયે કે જે પાછાં ન હો ફર્યાં,
વળી જે કેટલાંયે જે જન્મતાં વેંત હો મર્યાં!)
ઓગળી જાય સૌ યાત્રી રાત્રિના અંધકારમાં
પુરાયાં એમ પોતાની છાયાના બંધ દ્વારમાં;
સૂર્ય તો આથમ્યો કિંતુ એના જે તેજમાં પડી
એમની શાંત છાયાઓ હજુયે અહીં જે ખડી,
બને, સૌ એકઠી થાતાં, રૂપ આ અંધકારનાં;
વસે ત્યાં તોય પોતાને ગણે છે (અંધ!) બ્હારના!
સ્મૃતિનાં શુષ્ક પર્ણો કૈં એમાં જ્યાં ત્યાં ખર્યાં કરે,
ક્ષુબ્ધ આ શ્યામ શાંતિને વારે વારે કર્યા કરે!
નશામાં વાયુને વેગે કોણ આવું ચલાવતો?
જેથી આ અંધકારને એવો તો એ હલાવતો;
એમાંથી એક કો છાયા છૂટીને અળગી થતી,
આગવું રૂપ ધારીને સામે આવી થતી છતી;
પેલાં સૌ શુષ્ક પર્ણોને પીલતી નિજ પાયથી,
નિહાળી સાવ નીચું જે ઊભી અસ્પષ્ટ કાયથી;
અજાણી તોય જાણીતી જાણે શું કૈં કળી રહી,
મળી’તી તોય લાગે કે પ્હેલી વાર મળી રહી;
પોતાની તોય લાગે કે જાણે શું હોય પારકી,
પૃથ્વીની તોય લાગે કે જાણે શું હોય પારકી,
પૃથ્વીની તોય જે લાગી ડૅન્ટિને મન નારકી,
કરુણાર્દ્ર સ્વરે ક્‌હે છે : ‘મને ભૂલી ગયો? ભલા!
વિસ્મૃતિ, વંચના એ તો મનુષ્યોની હશે કલા!
આવતી કાલના સૂર્ય! તારું વ્યર્થ જ ઊગવું,
હોંસે હોંસે પ્રભાતે આ પૃથ્વીને તટ પૂગવું,
તેં જો આ સર્વને તારા તેજનો અંશ ના ધર્યો,
અપૂર્ણ માનવી માત્ર એને જો પૂર્ણ ના કર્યો;
સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે,
આપે તો ભવ્ય કો મૃત્યુ ઇચ્છામૃત્યુ જ આપજે!’