અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ઢૂંકડાં લગ્નનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઢૂંકડાં લગ્નનું ગીત

નિરંજન યાજ્ઞિક

આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!

તોરણમાં હોય, મોર એને ક્હેવાય,
અને ઉમ્બરમાં હોય એને? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ,
અને આંખોમાં ત્રબકે એ? — બોલ!
સખી, પાદરમાં વાગે છે ઢોલ!