અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /તે... નિર્મિશ ઠાકર !
Jump to navigation
Jump to search
તે... નિર્મિશ ઠાકર !
નિર્મિશ ઠાકર
અમથો જૈ જે આભ ચડ્યો તે નિર્મિશ ઠાકર!
પળમાં જૈ પાતાળ પડ્યો તે નિર્મિશ ઠાકર!
ધરતી ને આકાશ અરે ક્ષણમાં ધમરોળી —
ઘરમાં જૈ બેફામ રડ્યો તે નિર્મિશ ઠાકર!
સમણાંની સંગાથ થયેલો આઘો પાછો —
રઘવાયો એ ના જ જડ્યો તે નિર્મિશ ઠાકર!
શર તાણી તૈયાર ખડો લ્યો, શબ્દો કેરાં —
લખતાં લમણાફાડ લડ્યો તે નિર્મિશ ઠાકર!
છટક્યો છંદોમાંય અહો અટક્યો અર્થોમાં!
લયમાં અનરાધાર નડ્યો તે નિર્મિશ ઠાકર!
‘અડકું’ બોલી ખાસ ગયો અંતરને દ્વારે —
બધવાયો, જૈ ના જ અડ્યો તે નિર્મિશ ઠાકર!
ઘડતાં જેને હાય, પ્રભુયે ખાય બગાસાં!
ભ્રમણા લૈ બે-ચાર ઘડ્યો તે નિર્મિશ ઠાકર!
અમથો જૈ જે આભ ચડ્યો તે નિર્મિશ ઠાકર!
પળમાં જૈ પાતાળ પડ્યો તે નિર્મિશ ઠાકર!
(એ જ લિખિતંગ, ૧૯૯૦, પૃ. ૨)