અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ધૂમકેતુનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધૂમકેતુનું ગીત

ન્હાનાલાલ દ. કવિ

બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડું,
         ત્યાં એકલો ઊડું.

જન, જગત, સૂર્ય, સુહાગી જ્યોત્સ્ના; વિશ્વ બહુ રૂડું,
         પણ એકલો ઊડું.

બીડ્યાં પ્રગટતાં પિચ્છ મેં, પડઘો પડ્યો ‘અહાલેક’,
         સુણ્યું સાધુઓએ ‘ભેખ’;
હિમમાળ કેરાં શિખરશિખરે શબ્દ એ ઢૂંઢું :
         હું એકલો ઊડું.
રસના ઊછળતા મૉજ! અયિ સૌન્દર્યના સિન્ધુ!
         મુજ ખૂટિયાં બિન્દુ;
વિધુબાલ! મા છબતી મને, પડશે રખે કૂડું :
         હું એકલો ઊડું.

ગર્જે મહાનદ ખીણ ભરી, નભ એ ઝીલે ઝમકાર,
         ભીષણ ઢળે જલધાર;
આઘી ગુફાઓ જોગીની, ગૂઢ મન્ત્ર ત્યાં છોડું :
         ને એકલો ઊડું.
દીધું વિધિએ તે પીધું, લીધું રૂપ અબધૂત ઘોર,
         તોડી જગતના તોર;
ભયભૂલણી જગજીવન છો ભાખે હવે ભૂંડું :
         હું એકલો ઊડું.

મૂંઝવે મનુજને એવી આ વન વન વહે એકાન્ત,
         પશુબોલ પડિયા શાન્ત;
અંઘોળ કરી આનંદના વાઘા વિરલ ઓઢું,
         ને એકલો ઊડું.
સુંદર ભલે સૃષ્ટિ હજો મનમોહિની અભિરામ,
         ન્યારાં અમારાં ધામ :
એકાકી આભે ઊતરી, એકાકી ભમી, બૂડું :
         હું એકલો ઊડું.

(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૮૧-૮૨)