અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પાર્થને કહો ચડાવે બાણ
ન્હાનાલાલ દ. કવિ
પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ :
પાર્થને કહો ચડાવે બાણ.
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી,
કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ :
સજીવન થાય પડ્યાયે પ્હાણ :
પાર્થને કહો ચડાવે બાણ.
દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ :
પાર્થની પ્રત્યંચાને વાણ :
પાર્થને કહો ચડાવે બાણ.
મેહુલો બોલે, વાયુ હુંકારે,
ત્યમ તલપો સિંહબાળ!
યુગપલટાના પદપડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ :
સજો શિવ વીર! હવે શિરત્રાણ :
પાર્થને કહો ચડાવે બાણ.
નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ;
સત્ય શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો! નવ નવયુગનો ભાણ :
પાર્થને કહો ચડાવે બાણ :
વિધિનાં એ જ મહાનિર્માણ :
પાર્થને કહો ચડાવે બાણ.
(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, પૃ. ૯૩-૯૪)
ક્યારેક કવિતા કોઈ ખુલ્લેખુલ્લું આહ્વાન બનીને પ્રગટતી હોય છે. મેથ્ય આર્નોલ્ડને તો આવા આશય માટે કવિતાથી ચડિયાતું કોઈ માધ્યમ દેખાતું નથી. એ કહે છે કે અભિવ્યક્તિ માટેના બધા આશ્રયો નિષ્ફળ જશે ત્યારે એકમાત્ર કવિતા ટેકો બની શકશે. આ કાવ્યમાં ઊતરેલી ઓજસવંતી અભિવ્યક્તિ અને આપણા સામ્પ્રતને અડોઅડ મૂકતાં આ વાત સાચી હોવાની પ્રતીતિ થશે. આખુંય કાવ્ય એક નારીની ઉક્તિ છે. વળી એ નારી માતા પણ છે. સત્ય, શીલ અને ધર્મયજ્ઞનાં જનત અર્થે વિશ્વ આખું હોમાઈ જાય તેવી સમજણ જેનામાં છે તે કુંતા અહીં પ્રવક્તા છે. અનેક પ્રતારણાઓ અને સમાધાનો પછી છેવટના તારતમ્ય પર આવી ગયેલી આ માતા ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એવું ઉચ્ચારણ કરે છે ત્યારે તે શબ્દો જાણે શિલાલેખ બની કોતરાઈ જાય છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કરાવેલો બોધ એક માતાએ પોતાના પુત્રને કરેલા આદેશ પાસે જાણે નગણ્ય બની જાય છે. કવિને ભગવાન કરતાં માતાના મુખે આવો આદેશ કરાવવો વધુ કાવ્યોચિત લાગ્યો છે. પાર્થ કહેતાં અર્જુન પોતાની સન્મુખ નથી એટલે કોઈના થકી આ આદેશ મોકલાય છે. બાણ અને કલ્યાણ જેવો પરસ્પર વિરોધી લાગતા શબ્દો વચ્ચે કેવળ પ્રાસની સંગતિ નથી. એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ પણ છે. પોતાની આણ આપીને પુત્રને સન્નધ કરીને માતા પોતે પણ આણનું શસ્ત્ર વાપરે છે. કદાચ કૃષ્ણની જેમ એને પણ અર્જુન પર પૂરો ભરોસો નથી. માતા અને ઈશ્વરને એક કક્ષાએ મૂકીને કવિ ઈશ્વરથીયે અદકેરા માતાના અધિકારને અહીં સ્થાપી આપે છે તે સમજવા જેવું છે. યુદ્ધ એ જ યુગધર્મ લાગવા માંડ્યો છે તે નછૂટકાની વાત છે. અનેકાનેક યાતનાઓ વેઠ્યા પછી, સમજાવટ કર્યા પછી, અરે પારાવાર વિનવણીઓ કર્યા પછી પણ જ્યારે આ બધા પ્રયાસોને દુર્બળતા કે નબળાઈ ગણી લીધા ત્યારે સાચી શક્તિ બતાવી દેવાની જરૂર જણાઈ. યુદ્ધ જ્યારે ધર્મ બની જાય ત્યારે પાછી પાની કરવી તે નપુંસકતા છે. પડ્યા પાણા પણ સજીવન થઈ આક્રમણશીલ બને ત્યારે યુદ્ધ ન છેડવું તે કાયરતાની નિશાની છે. કુંતાનો તર્કપૂત આવેશ ભરી સભામાં લૂંટાયેલી દ્રૌપદીની લજ્જાનો હવાલો લઈને પ્રગટે છે. નીચી મૂંડીએ બેઠી રહેલા પ્રભાવી વૃદ્ધો વચ્ચે એક અબળા રડવડતી હોય અને એ ઘટનાને કોઈ ઉત્સવ બનાવી દેવાતો હોય ત્યારે સમરાંગણમાં તેનો ઉત્તર આપવા તૈયાર થઈ જવા રણધીરોને હાકલ કરવા અહીં રણઢોલને પણ આદેશ થઈ રહ્યો છે. ગાંડીવની પ્રત્યંચા અબોલ રહે તે હવે ચાલી શકે તેમ નથી. તેને પણ વાણી ફૂટે અને તેમાં યુદ્ધનો લલકાર હોય તે અપેક્ષા અહીં સ્ફુટ થઈ છે. વાત ભલે માતૃમુખે રહી પણ છેવટે તો એ વાત કવિની છે, કવિથી ચડિયાતો સમયનો પારેખ કોઈ હોતો નથી. પણ તેની સીવી લેવાયેલી જીભને ખૂલવા માટે પણ યોગ્ય સમય જોઈએ. પોતાના સિંહબાળ જેવા સંતાનને યુગપલટાનું આહ્વાન કરી તેનામાં યુયુત્સા ભરી માતાને ત્રિકાળ ગજવતી સિદ્ધિ મેળવવાની અભિલાષા છે. આયુધોથી સજજ થઈ રણાંગણે નીકળી પડવાનો તેમાં આદેશ છે. કેવું હશે આ યુદ્ધ? જેને જોવા માટે સમય પણ થંભી જાય, આ યુદ્ધ અંતિમ યુદ્ધ હોય અને તેમાં સમસ્ત વિશ્વનો ધ્વંસ પણ થઈ જાય. સત્ય, શીલ અને ધર્મના યજ્ઞમાં વિશ્વ આખું હોમાઈ જાય તો પણ જેને મંજૂર હોય તેવી આક્રોશશીલ માતા અહીં આપત્તિને નિમંત્રે છે તેવું નથી. આ ઉદ્ગારો કંઈ મામૂલી ક્રોધના પરિણામરૂપ નથી. તેની પાછળ એક પ્રચંડ પ્રભાવી યુગબળ છે, અસ્તની સાથે જ એક નવા ઉદયને અવલોકી રહેલી શ્રદ્ધાવાન નારીનો આક્રોશ છે. કવિએ ગીતકારથી પણ ચડિયાતા પ્રવક્તાની પસંદગી કરી છે તે જાણે સાર્થક છે. માતાથી વધુ શ્રદ્ધાવાન ઈશ્વર પણ હોઈ શકે નહીં તે કાવ્યન્યાયનો અહીં જાણે-અજાણે પણ પુરસ્કાર થયો છે. અન્યને અગોચર એવા વિધિના મહાનિર્માણને અવલોકી શકતી માતાને કોઈ ભગવાનની સહાય વગર પણ જાણે વિરાટ દર્શન થઈ ગયું હોય તેવો રણકો તેના ઉદ્ગારમાં છે. આ કાવ્ય આપણા આજના સમયનું પણ જાણે રણશીંગું છે. સુજનનાં સઘળાં કર્મ કરી લીધા પછી પણ તેને જો દૈન્ય માનવામાં આવે તો પછી યુદ્ધ એ જ યુગધર્મ બની જાય. કવિનો શબ્દ કોઈ કાળે વૃથા હોતો નથી. દરેક સમયે તે પોતાનું તેજ પ્રસારતો જ રહેતો હોય છે.