અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પ્રાણેશ્વરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રાણેશ્વરી

ન્હાનાલાલ દ. કવિ

પ્રાણેશ્વરી! વ્રતિની જીવનસાથની હો!
કીધું પ્રયાણ મુજ સંગ ભવાટવીમાં;
ત્હેં પોષી આત્મકળી પાંખડીઓ ઉઘાડી;
ખીલી કંઈક, કંઈ ધૂળ વિશે ખરી તે.

ખીલી પ્રકાશ ઝીલતાં પ્રભુની પ્રભાના,
કે હા! ખરી જડ વિશે જડભાવ પીતાં;
ગેબી સુગન્ધ કંઈ પાંખડીએ ઉડાવ્યો,
તેનો રચી રસિક! હાર ત્હને વધાવું.

આજે સુદિન તુજનામિની પૂર્ણિમાનો,
જો ફોડ્યું મેઘપટ કોકિલની કલાએ;

કીકી સમું ધરી શશાંક, ભ્રૂકુટિ પાડી,
ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ.
પૂજ્યો શશી, પૂજું ત્હને રસની સુગન્ધે,
પૂજી પ્રકાશું મુજ અંતર કેરી વાંછાઃ

આ ચન્દ્રિકા સમ મનોહર ને વિશાળ,
કલ્યાણકારી, ઊંડી આશિષથી ભરેલું,
તે પુણ્યશુદ્ધ, મૃદુ, ઉજ્જ્વલ, વ્હાલરંગી,
તું હાસજે તુજ અલૌકિક એક હાસ્ય.

[કેટલાંક કાવ્યો-1 અર્પણકાવ્ય]