અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/દર બીજી ઑકટોબરે મને એક સપનું આવે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દર બીજી ઑકટોબરે મને એક સપનું આવે છે

પન્ના નાયક

તમે ગાંધીજીને જોયા હતા?
હું હા પાડું
અને એ મને બીજો સવાલ કરેઃ
‘ક્યાં? ક્યારે?’
હું કહુંઃ
નાની હતી ત્યારે
બાપાજી રોજ સાંજે અમને
જુહૂના દરિયાકિનારે આવેલા
અમારા ઘર પાસે થતી
ગાંધીજીની પ્રાર્થનાસભામાં
લઈ જતા.
અમે વહેલાં જઈ આગળ બેસતાં.
ગાંધીજી સમય સાથે સ્પર્ધા કરતા હોય
એમ દોડતા આવતા
અને પાછળ પગ રાખીને બેસતા.
હું ટમટમતા તારાઓનું ઝૂમખું જોતી હોઉં
એમ એમને જોયા કરતી.
એમના ચહેરા પર
બુદ્ધની આભા
આંખોમાં
ઈશુની કરુણા.
હમણાં જ મહાવીરને મળીને ન આવ્યા હોય!
અને પછી શરૂ થતુંઃ
‘વૈષ્ણવજન તો તેને કહીએ.’
પછી બાપાજી ગાંધીવાદી બન્યા,
જેલમાં ગયા.
ખાદીનાં કપડાં પહેરે
એ પણ બે જોડી જ.
ભોજન પણ એક કે બે કોળિયા લે.
પછી તો બા બાપાવાદી બન્યાં.
અને અમે બાવાદી.
અમારા વૈષ્ણવના ઘરમાં
બધાં જ ગાંધીજન બની ગયાં.
આજે આટલાં વરસો પછી પણ
દર બીજી ઑક્ટોબરે
ગાંધીજી મારા સપનામાં આવે છે
ને મને પૂછે છેઃ
‘પ્રાર્થનાસભામાં આવીશ ને?’
અને
હું ગાવા માંડતી હોઉં છું
‘વૈષ્ણવજન તો તેને કહીએ.’
બીજા દિવસે સવારે
ચા પીતાં
મારા પતિ મને પૂછે છેઃ
‘તને ખબર છે?
તું ઊંઘમાં વૈષ્ણવજન જેવુ કંઈક બબડતી હતી એ?’
કવિલોક, નવેમ્બર-ડિસેમ્બર