અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /વિરહ અભિસાર
પિનાકિન ઠાકોર
આપણે શું કદી એકબીજા કેરાં દેખવાનાં નહીં દ્વાર?
કોઈને આંગણ મારગ, મંદિરે, મળી જવાં કોઈ વાર.
ક્ષણિક મિલાપની એક ઘડી વહે લાખ વિરહના ભાર,
ઓ પ્રિય, કેવા અલૌકિક આપણે આદર્યા છે અભિસાર!
સ્વપ્નભરી એક અંતર અંજલિ ઝૂરતી ઝરવા પાય,
પાંપણ મોતી પરોવ્યાં સોહામણાં કંઠ ક્યારે એ સોહાય!
જુગ જુગ લગીયે આપણી શું કદી ના’વશે મિલનની વેળા,
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા.
‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય, આશા જ કેવી’ ગાનાર કાન્ત પ્રેમની વિકળતાના કુંડળીયોગને માટે ‘ચક્રવાકમિથુન’ લે છે. પણ પ્રેમનાં બારણાં ઉપર લટકતાં હોય છે સુક્કાં થઈ ગયેલાં – એક વખતનાં લીલાં – પાંદડાંઓનાં ખખડતાં તોરણો! નિરંજન ભગતે ગાયું ‘રે આજ આષાઢ આયો.’ પરંતુ દરેક પ્રેમી હૃદયમાં તરફડતો યક્ષ પલાંઠી મારીને બેઠો હોય છે. એઠલે જ આષાઢ આવ્યાની વ્યથા-ઘેરી નોંધ લીધા પછી કવિએ કહેવું પડ્યું કે ‘આપણે રે પ્રિય, સામસામે તીર, ક્યારેય નહીં મિલાપ.’
દરેક કવિહૃદયે પોતપોતાના યુગને અનુરૂપ પોતામાં રહેલા શાપિત યક્ષને કંઠેથી પોતાનું ‘ચક્રવાકમિથુન’ કે ‘મેઘદૂત’ ગાવું જ પડે છે. નિરંજનના આ કાવ્યના લગભગ એ જ લયમાં પિનાકિન્ ઠાકોર કહે છે: ‘ક્ષણિક મિલાપની એક ઘડી વહે લાખ વિરહના ભાર.’
જે પ્રીતને નિરંજન ‘રે ધિક્ તને, છલમયી! છટ્, હા, તું ધૂર્ત!’ કહે છે તે પ્રીતના અગમ્ય કરતૂતને પરિણામે આપણે… મળ્યાં…! અને મળ્યાં તે તો છૂટાં પડવા જ! ત્યાર પછી તો ‘શું’નું વિસ્મય અને ‘શું’નો આઘાત. આપણે હવે એકબીજાનાં દ્વાર સુધ્ધાં દેખવાનાં નહીં? મળીએ તોપણ ‘કોઈ’ને આંગણ કે મારગમાં કે મંદિરમાં (કયા દેવની ઉપાસના ફળે, વારુ?) ‘કોઈ વાર’ માત્ર મળી જવાં, ‘ટાઇમ, પ્લેસ ઍન્ડ ધ લવ્ડ વન આર નેવર ટુગેધર.’ – સ્થળ, કાળ અને પ્રિયજનનો ત્રિવેણી સંગમ લગભગ અશક્ય.
એકાદ ક્ષણના મિલાપની ક્ષણની ખાંધે લાખ લાખ વિરહની નનામીનો બોજ વેંઢારવો પડે છે. કોઈક શિબિરના ઉંબર પર ‘ચોરી લીધેલું’ એકાદું ચુંબન હોઠ ઉપર જીવનભરની ભભૂકતી જ્વાલા થઈને આળોટતું ટળવળતું રહે છે. સદાયૌવન ભોગવતા વિરહનું તર્પણ તરનાર આ અભિસાર (કે અભિશાપ?) કેવો તો ‘અલૌકિક’ છે!
‘સ્વપ્નભરી’ એક અંતરની અંજલિ ભરીને જિન્દગી પ્રિયજનના પાય પખાળવા માટે આતુર હોય છે. પણ એ અંજલિ તો આંગળાંઓ વચ્ચેની સાંધમાંથી સરી જવા જ નિર્માઈ છે. ઉમાશંકર ‘કચ’ની ઉક્તિ રૂપે કહે છે:
પ્રેમથી જિંદગી કેરું સાર્થક્ય; જિંદગી મહીં પ્રેમસાર્થક્યની કિંતુ રહી નિશ્ચિતતા કહીં?
કોઈના ચરણમાં ઝરવું – એ નહીં; પણ સદાય સર્વદા ઝૂરવું એ જ વિધિમંત્ર છે. આંસુઓ – ‘પાંપણ મોતી પરોવ્યાં’ – પણ પ્રિય વ્યક્તિના વિરહમાં મોતી થઈ જાય છે. પણ એ મોતન-માળાને જીવનની સાર્થકતા આપે એવો સુહામણો ‘કંઠ’ ક્યાં?
છેલ્લે કવિ એક જ પંક્તિનાં બે અંતિમો ઉપર શબ્દો યોજે છે – ‘જુગ જુગ’ અને ‘વેળા’. જુગજુગના ‘રેતીના પથારા’ની સામે મિલનની ‘વેળા’ મૂકીને જ કવિ તો આ ક્ષણિકતાનો ‘ઘટિંગો’ – શિરચક્રવ્યૂહ – ગોઠવી આપે છે. પરંતુ પાછું એ ગર્તામાં ફંગોળે છે વધુ ઘેરો પ્રશ્ન: આ આટલી ક્ષણિક મિલન વેળા પણ ‘શું કદી ના’વશે’? આ ‘ઠેલાતા જતા અભિસાર’માંથી ‘મેળા’ રચાવાનું તો કોરે રહ્યું, પણ એ મેળાનાં મૃગજળ પણ દૂર ને દૂર ઠેલાતાં જાય છે – ક્ષિતિજ જેમ દૂર ને દૂર ઠેલાતી જાય છે એમ જ. અને છતાં આ પ્રેમ પદારથ કેવો મના-લૌકિક છે કે એ જન્મજન્માંતરો સુધી ઝંખવાનો અને ઝૂરવાનો મૂળભૂત અધિકાર તો ‘પરમકૃપાળુ’ પરમાત્માએ આપ્યો જ છે! ‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ એમ સુન્દરમ્ ભલે કહેતા પણ છતાં કલાપી માટે સુન્દરમ્ જે કહે છે કે કલાપી ‘નિષ્ફળ પ્રેમની ચીસ’ના કવિ છે. નિષ્ફળ પ્રેમની આ ‘ચીસ’ સનાતન છે. પ્રીતિના લાવારસને જીરવી જવાનું વરદાન ઈશ્વર કવિઓને આપતો રહે…
રાજેન્દ્ર-નિરંજનની પેઢીના આ કવિ પિનાકિન્ ઠાકોર (‘કિન્નરી’ નિરંજને અર્પણ પણ આ બેને જ કર્યું ને!) એ જ પેલા રાજેન્દ્ર શાહના કાવ્યમય પત્રમાંના ‘સુમિત્ર પિનુ’. રેડિયો સાથે સંકળાયા પછી પિનાકિને ગીતો ભરપૂર લખ્યાં. એક વખત મોટી આશા જન્માવનારી આ કલમે આ પૂરમાં તણાઈ જવું પડ્યું ન હોત તો એમની કવિતાનો ઘાટ કંઈક જુદો જ ઊતર્યો હોત અને ‘કેવો મહા રાગ સાકાર થશે તેની પ્રતીક્ષા’ બહુ ઝાઝી કરવી પડી ન હોત. (‘એકાંતની સભા'માંથી)