અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/મોરલીને વેણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોરલીને વેણ

પ્રદ્યુમ્ન તન્ના

તુંને ના કાન! તારી મોરલીને વેણ અમીં મો’યાં જી રે!
કાન! મોરલીને વેમ અમીં મો’યાં જી રે!
સાંભળી છે ત્યારની આ નેણાંની નીંદ ને
ચિતડાનાં ચેન અમીં ખોયાં જી રે!
કાન! મોરલીને વેણ અમીં મો’યાં જી રે...

ઊમટી અષાઢની હેલીની જ્યમ જહીં ઊથલી ઊથલીને કશું ગાતી
એવા ઉમંગ-લોઢ હૈયે હિલોળતા કે છાતી તો ફાટફાટ થાતી
હરખ-મૂંઝારે તંઈ બાવરાં બનીને હાય
દા’ડી ને રેણ અમીં રોયાં જી રે!
કાન! મોરલીને વેણ અમીં મો’યાં જી રે...

એકલાં અમીં ન કાંઈ ઘેલાં રે બોલ ઈંને ઘેલાં વિહંગનાં ટોળાં!
ડોલે કદંબની કુંજ બધા તાનમાં ને જમનાયે લેત કંઈ હિલોળા,
સૂરની તે વાંહોવાંહ ખીલડેથી ભાગતાં
વાછરાં ને ધેન અમીં જોયાં જી રે!
કાન! મોરલીને વેણ અમીં મો’યાં જી રે...

મેલી વજાડવું હાલ્યાં ક્યાં આમ અરે એવું શું મનમાંહીં લીધું?
જીવતરના સમ્મ, રાખી હૈયે આ હાથ જુવો, હાચું જો હોય જરી કીધું!
એટલું ન જાણીએ કે કાઠના ઇ કટકામાં
કાળજનાં કે’ણ તમીં પ્રોયાં જી રે!
કાન! મોરલીને વેણ અમીં મો’યાં જી રે...

૧૯૫૯, 'છોળ'માંથી