અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/રત્ય
પ્રદ્યુમ્ન તન્ના
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!...
માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!...
૧૯૮૭