અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/ઠેસ...
Jump to navigation
Jump to search
ઠેસ...
પ્રફુલ્લા વોરા
અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું?
સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાની છપની વાત;
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ
કે સૈયર શું કરું?
સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે;
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સં. ૧૯૯૬, પૃ. ૬૨)