અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભુલાલ દ્વિવેદી/ઉજાગરો


ઉજાગરો

પ્રભુલાલ દ્વિવેદી


મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી'તી વ્હાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળા ખાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

ઘેરાતી આંખડીને દીધા સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે,

અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.

આજના તે જાગરણે આતમા જગાડ્યો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે,
અલબેલા કાજે ઉજાગરો. — મીઠા.
(બોરસલ્લી, ૧૯૭૮, પૃ. ૬૮)