અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અંધ

પ્રિયકાન્ત મણિયાર

વ્હેતા ઝરણની જેમ હું તો
સાંભળું છું સૂર્ય…

બુંદ
જેનું એક મેં પીધું નહીં
ખોબો ભરીને નીર જેનું ઘૂંટથી પીવું ગમે.
જન્મનો પહેલો દિવસ તે કેટલો લાંબો લચ્યો…

ગર્ભમાં તરતો હતો —
ને હજી?

હાથ નાખું ત્યાં મને અંધારની મુઠ્ઠી મળે
કંઈ ને કંઈ ગૂંથ્યે જતી આ આંગળીમાં
ઊગી ચૂકેલી આંખને જોવા મથું
ખાલી તળાવો ને ટેકરીની ટોચ પર
ચાલ્યો જઉં છું
જેટલું અડક્યો જગત
એટલું પંપાળ્યું છે.

(આ નભ ઝૂક્યું, ૨૦૦૦, પૃ. ૧૩૧)