અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એક્કેય એવું ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક્કેય એવું ફૂલ

પ્રિયકાન્ત મણિયાર

એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું, ક્યારે હવે હું જોઉં….

એમાંય તે આજે વસન્ત
મબલક ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઈને નાંગરી
આછા શિશિરના તટ ઉપર
ત્યાં
હું જ ડૂબી જાઉં છું
હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખમાં એની અસર એવી થતી
જેની સુગંધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં
         અરે બહુ પર્ણમાં

સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષાણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એકસરખું ચોતરફ ફેલાયલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું.
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો
         ફૂલથી કે ભૂલથી?
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા —
અહીંતહીં બધે વેરઈ ગયા!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦૭)



આસ્વાદ: ફૂલનો લાગ્યો ફટકો – ઉદયન ઠક્કર

પ્રિયકાન્ત મણિયારના આ પ્રમત્ત ઉદ્ગારો છે. કવિ સુરાકટોરી નહીં પણ ‘ફૂલડાંકટોરી’ ગટગટાવી ગયા છે.

કાવ્યનો પહેલો જ શબ્દ છે ‘એક્કેય’. કવિ ભારપૂર્વક (‘ક’ બેવડાવીને) કહે છે કે વિશ્વનું દરેક ફૂલ તેમને પસંદ છે. (ભાવક ઇચ્છે તો પંક્તિને આમ પણ વાંચી શકે, ‘એક્કેય એવી વ્યક્તિ જન્મી છે નહીં, કે જે મને હો ના ગમી.’) ‘એક્કેય એવો કાંટો…’ એમ નથી ગાતા કવિ, ફૂલ પર જ પસંદગી ઉતારે છે, કારણ કે એ સૌંદર્યોના અનુરાગી છે. સુંદરમે કહ્યું છે કે જે કંઈ સુંદર છે એને હું ચાહું, અને જે કંઈ અસુંદર છે, એને ચાહી ચાહીને સુંદર કરી મૂકું. ‘જે નથી જોયા થતું — ક્યારે હવે હું જોઉં’ જોયેલાંને પસંદ કરનારાં ઘણાં મળે, ન જોયેલાંને પસંદ કરનારાં કેટલાં? કવિ આંખ મીંચીને પ્રેમ કરે છે. શિશિરના તટ પરથી તેઓ જુએ છે તો ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઈને વસન્ત આ આવી! રંગછાંટણાંની સાથોસાથ સુગંધછાંટણાં થાય છે. ફૂલોના કેફમાં કવિના શબ્દો પાછળઆગળ થઈ જાય છે. ‘હું ફૂલ એવાં ગટગટાવી પી ગયો છું’ ને બદલે બોલી બેસે છે, ‘હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી’ સર્જનનો પણ ઉન્માદ હોય છે. કવિને સૂર્ય ખીલેલો લાગે છે, પાણીની પાંદડીઓ થકી સાગર ખીલેલો લાગે છે. આ તે પર્વત કે પથ્થરનું પુષ્પ? કવિને આકાશ કુસુમવત્ લાગે છે. ભમરાને તો ટાગોરે ઊડતાં પુષ્પ કહ્યાં જ છે. સાદી બુદ્ધિના માણસોને બધે ઈશ્વર દેખાય. કવિને સર્વત્ર પુષ્પત્વનું દર્શન થાય છે. કવિના શબ્દમાં સુધ્ધાં ફૂલ પેસી જાય છે — ‘હું આ બધું શું અરે બોલી ગયો, ફૂલથી કે ભૂલથી?’ ખીલે તે કરમાય. ટપોટપ ઊઘડેલા કવિના શબ્દ આખરે ખરી પડે છે, વેરાઈ જાય છે.

‘દાદાલદા’ના ચાર આવર્તનથી રચાય તે હરિગીત છંદ, જેમ કે –

જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

– કલાપી

‘દાદાલદા’ના એક અથવા વધારે આવર્તન ધરાવતી (લાંબી–ટૂંકી) પંક્તિઓથી રચાય તે છંદ ‘પરંપરિત’. ‘ફૂલનો ફટકો લાગ્યો હોય’ તે તોળીતોળીને બોલી ન શકે. માટે કવિએ આ કાવ્ય ‘પરંપરિત’માં રચ્યું છે.

‘(હસ્તધૂનન)’