અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ સોળ વરસની છોરી
Jump to navigation
Jump to search
◼
પ્રિયકાન્ત મણિયાર • એ સોળ વરસની છોરી, સરવરિયેથી જલને ભરતી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: પાર્થ ઓઝા
◼
એ સોળ વરસની છોરી
પ્રિયકાન્ત મણિયાર
એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. એ.
ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી. એ.
મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી. એ.
એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી. એ.
(આ નભ ઝૂક્યું, પૃ. ૫)
પ્રિયકાન્ત મણિયાર • એ સોળ વરસની છોરી, સરવરિયેથી જલને ભરતી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: પાર્થ ઓઝા