અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રીતિ શાહ-સેનગુપ્તા/અરણ્ય-રુદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અરણ્ય-રુદન

પ્રીતિ શાહ-સેનગુપ્તા

પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
(ખંડિત આકાશ, ૧૯૮૫ પૃ. ૭૨)