અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /જર્જરિત દેહને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જર્જરિત દેહને

બળવંતરાય ક. ઠાકોર

(પૃથ્વી)


સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો?
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ?
ન સ્થૈર્ય, નવ હોશ લેશ, શ્વસને ન વા વર્ત્તને
ખમાય લગિરે અનીમ. અહ શી દશા તાહરી!

તથાપિ સફરે પ્રલંબ મુજ સાથિ સંગી અરે,
હજીય મુજને જવૂં છ ડગ સ્વલ્પ, તું ચાલ જો:
હજી છ મુજને કંઇક કરવૂં અધૂરું પુરૂં,
ઉકેલિ લઉં તે, – પછી ઉભય તું અને હું છુટી

વિરામમધુ પ્રાશવા, અક્રિયતોદધિ સેલવા,
જુની સ્મૃતિ તણાં અનંત પતળાં રુચિર વાદળાં,
તરંત ઉભરૈ રહંત, રહિ હૈ જ વાગોળવા!
સબૂર જરિ, ના ચહું કશુંય જે તને શક્ય ના,

કદી ન તગડીશ, લે વચન! સાથિસંગી અહો,
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે.