અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પ્રેમનું નિર્વાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રેમનું નિર્વાણ

બળવંતરાય ક. ઠાકોર

વ્હાલી, આવ્યાં અહિં સુધિ ચડી, જો દિસે શૃંગ પેલૂં,
આછૂં સામે બરફમય દિવ્યદ્યતી શંભુ જૈવું!
શાંતિજ્યોતિપ્રણવ કિરણે એ ભરે વિશ્વ આખૂં,
દીઠા રશ્મી બહુ વખતથી એ સ્વયં આજ ઝાંખ્યું!
પ્રીતીકેરા વિમલ અવગાહોતણો એ વિકાસ,
પ્રીતીનેત્રો શુચિતર બની પામિયાં એ પ્રકાશઃ
પ્રીતીપ્રાણો પ્રબલવિમલા ભેદજિત્સિદ્ધિ પામે,
કોશો ભેદીઃ ઝળહળત એ જ્યોતમાં શોક શામે!
વ્હાલી ક્યાં તે ઉપરતળિયે સર્વદેશે છુપંતૂં,
જ્યોતીમાં યે અનિરવચની છાંટ જેવૂં લપંતૂં,
બાહ્યે માંહ્યે અતલકુહરે યે સદા જે કળાતૂં,
આનંદારિ અણુતિમિર તે આજ સ્હેજે ભુલાતૂં!
વ્હાલી, કેવાં જનનનિધનો પંડલય વાત કેવી!
કેવાં તૂં હૂં! અસલ રસમાં એક સોહં શિવોહં! ૧૪