અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /વધામણી
બળવંતરાય ક. ઠાકોર
વ્હાલા મારા, નિશદિન હવે થાય ઝંખા તમારી,
આવો આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્તહારી
દૈવે જાણે જલ ગહનમાં ખેંચી લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મને છૉળઠેલે;
ને આવી તોપણ નવ લહું ક્યાં ગઈ કેમ આવી,
જીવાદોરી ત્રુટી ન ગઈ તેથી રહું શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા.
જાણું સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા :
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠી સ્પર્શો, પ્રણયી નયનો, અમ્રતાલાપ લાવો.
બીજું, વ્હાલા; શિર ધરી જિહાં ‘ભાર લાગે શું?’ કહેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરું ચૂસે સતત ચુચુષે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઊચરો લોચને કોણ જેવો?
(ભણકાર, પૃ. ૨૦૨-૨૦૩)
કાવ્યપઠન • વિનોદ જોશી
પ્રથમ પ્રસૂતિને માટે પિયર ગયેલી સ્ત્રી સન્તાનના જન્મની વધામણી પત્ર દ્વારા પોતાના પતિને આપે છે. પિયરનાં આત્મીય જનો વચ્ચેથી અજાણ્યાં સાસરિયાં વચ્ચે હજુ તો એ હમણાં જ ગઈ હતી. પણ એ સાસરામાં એક જણે એને એટલી તો પોતાની બનાવી લીધી કે હવે પોતીકાંઓથી ભરેલું પિયર પણ એને જાણે ગોઠતું નથી.
આથી, સન્તાનના જન્મના સમાચાર જણાવવાને એ પત્ર લખતી હોવા છતાં, કાવ્યના આરમ્ભમાં જ પહેલી વાત પ્રિયતમ પતિને માટેના પોતાના તલસાટની કરે છે. પ્રથમ પંક્તિમાંનું સાવ સાદું સરળ સમ્બોધન ‘વ્હાલા’ એ ભાવની સાહજિકતાને અનુરૂપ છે. પછી તરત જ પોતાનો અધિકાર દર્શાવવાને એ ઉમેરે છે: ‘મારા’. એ ‘મારા’ શબ્દના પર વ્હાલનો કેવો દાબ વરતાય છે! પોતાના પ્રિયતમ પરનો પોતાનો અધિકાર એ પૂરા વિશ્રમ્ભપૂર્વક સહજ રીતે પ્રકટ કરે છે.
પ્રથમ પ્રસૂતિ એ સ્ત્રીને માટે એક ઘાત જેવી ગણાય છે. એમાં રહેલી ભયની આશંકા કવિએ નાયિકાને મુખે સુન્દર રીતે પ્રકટ કરી છે: લગ્ન પછી પતિપત્ની હજુ તો જાણે સામે અફાટ વિસ્તરેલા દામ્પત્યસુખના સાગરમાં ક્રીડા કરતાં હતાં. બંને સાથે હાથમાં હાથ ગૂંથીને, સુખની છોળોને ઝીલતાં, આગળ વધી રહ્યાં હતાં. ત્યાં એકાએક કશાક ઊંડાણમાં સ્ત્રી સરી પડી. આમ, લગ્ન પછીના ઉત્કટ મિલનસુખ બાદ વિરહ આવ્યો. એને માટે દોષ કોને દેવો? પતિને? ના, એને માટે તો હૃદય પ્રેમથી એટલું તો સભર છે કે રોષના એક અણુને માટે પણ ત્યાં સ્થાન નથી. દોષ દેવો હોય તો દૈવને જ દેવો ઘટે, કારણ કે નિયતિનો ક્રમ જ એવો છે કે સ્ત્રીએ જ સન્તાનના સંવર્ધનની જવાબદારી ઉપાડવી. પણ આ કાવ્યની નાયિકાની ઉક્તિમાં રોષ કે ઉપાલમ્ભનું સૂચન નથી. કૃતાર્થતા એને એવી કૃપણતા આચરતાં વારી લે છે. ‘જલ ગહન’માં એક છોળને ઠેલે એ ખેંચાઈ ગઈ તો એટલી જ સહજ રીતે બીજી છોળના ઠેલાથી એ તટ પર પણ આવી ગઈ. ‘આણી સ્હેજે’ એમ કહીને દૈવની દુષ્ટતાની આશંકાને ટાળી છે.
પણ બહાર આવ્યા પછી જાણે એ બીજો ભવ પામી, સન્તાનના જન્મ સાથે એણે પણ જાણે બીજો જન્મ લીધો. પ્રેયસીમાંથી માતાના પદને એ પામી. આથી ડૂબકી મારીને બહાર નીકળતાં, જેમ ઘડીભર બધું બદલાઈ ગયેલું ને નવું નવું લાગે, કશીક પરિચિત એંધાણી શોધીને આપણે ફરીથી આપણી જાતને નિશ્ચિતપણે પામવા મથીએ તેમ, આ નાયિકા પણ કરે છે. ઘાત ગઈ, નવા જીવને જન્મ આપતાં પોતાના જીવનો ભોગ ન આપવો પડ્યો તે બદલ કૃતજ્ઞતાથી નાયિકા જીવનના અધિષ્ઠાતાને વન્દે છે. પ્રિયતમને માટેની ઝંખનાના પૂરને સહેજ ખાળી લઈને એ પ્રથમ કૃતજ્ઞતા પ્રકટ કરી લે છે:
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
કવિએ આ રીતે નાયિકાનું આભિજાત્ય કેવી ખૂબીથી સૂચવ્યું છે!
આ ઘડીભરનો વિચ્છેદ, ઘડીભરની વિસ્મૃતિ પ્રેમને વધુ ઉત્કટ બનાવવામાં જ કામે લાગે છે. જુઓ ને, કેટલી આત્મીયતાથી અનુપસ્થિત નાયકની સાવ પાસે સરી જઈને એ કહેવા માંડે છે: હું માતા બની તે પહેલાંની સ્થિતિનું મને સ્મરણ છે, એ બધું જ સાચું છે તેય જાણું છું, પણ હવે જાણે નવેસરથી એ બધાંની ખાતરી કરવી છે. ‘તે કની સર્વ, વ્હાલા!’માં આત્મીયતાભર્યો હેતનો કેવો મીઠો ટહુકો સંભળાય છે! નાયિકા ચતુર છે. આ વિચ્છેદ અને વિસ્મૃતિને એ બમણો પ્રેમ મેળવવા માટે લેખે લગાડે છે. આમ તો બીજી પંક્તિમાં જ એ બોલી ઊઠી હતી: આવો, હું તમારી છું ને તમે મારા છો, એની જે રીતે તમે મને લગ્નજીવનના આરમ્ભમાં પ્રતીતિ કરાવેલી ને પછીથી જે આપણે માટે સુખદ રીતે પરિચિત બની ગઈ હતી તે પ્રતીતિ મને ફરીથી કરાવો. મારે આ વિરહનું સાટું વાળી લેવું છે.
એ વાત વચમાં અટકાવી દેવી પડી, કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરવા; એનાં ખાળેલાં પૂર હવે એ છૂટથી વહી જવા દે છે. પૂરને સહેજ ખાળીને પછીથી વહાવી દેવાથી એનો વેગ વધે છે. કવિએ આ યુક્તિ – અને તે એવી સહજ રીતે પ્રયોજી છે કે એ યુક્તિ છે એવો વહેમ સરખો ન જાય – વાપરીને ભાવનો વેગ સિદ્ધ કર્યો છે.
હવે નિ:સંકોચ બનીને સ્વાધીનપતિકાની અદાથી પતિને ફરમાવે છે: આવો, અને પ્રિયતમ જે રીતે પ્રેયસીને પોતાના પ્રેમની પ્રતીતિ કરાવે તે રીતે મને નવેસરથી પ્રતીતિ કરાવો.
મનુષ્યે ભાષા તો પાછળથી શોધી, એ પહેલાં એને અણસારા અને સ્પર્શની ભાષા જ જાણીતી હતી. હજુય જ્યારે ભાષા ઉલેચી ન શકે એવા ઊંડા ભાવની વાત આવે છે ત્યારે સ્પર્શનો, આંખના અણસારાનો, ઉષ્ણ નિ:શ્વાસનો ઉપયોગ કરવો પડે છે. આથી જ પ્રેમની ખાતરી કરાવવા માટે નાયિકા સૌથી પ્રથમ યાદ કરે છે: કર અને અધરને; અને યાદ રાખજો કે અહીં હોઠનો ઉલ્લેખ થયો છે તે વાણીના સાધન તરીકે નહીં પણ ચુમ્બનના પાત્ર તરીકે, પહેલાં કરપીડન પછી ચુમ્બન. એ ક્રમમાં ઔચિત્ય છે. માંયરામાં ઢોલત્રાંસાં અને લગ્નગીત તથા પુરોહિતના કર્કશ મન્ત્રોચ્ચાર વચ્ચે સૌથી પ્રથમ પ્રીતિની પ્રતીતિ કરાવવાની આવી ત્યારે હાથમાં હાથ ઝાલ્યો. એ પ્રથમ અધિકૃત સ્પર્શ, સપ્તપદીના મન્ત્રોચ્ચાર પહેલાં આ સ્પર્શના ઉચ્ચારથી જ પ્રતીતિ કરાવી. પછી શયનગૃહના એકાન્તમાં હોઠે વાણી ફૂટી નહીં પણ ચુમ્બનથી મધુ છલકાઈ ઊઠ્યું! માટે સૌથી પ્રથમ સાક્ષી કરની, પછી અધરની. અને આમેય તે પ્રિયતમના બાહુની પરિધિમાં સમાઈ જવામાં જે સંરક્ષણ છે તે બીજા શેમાં છે?
આ પછીથી, મીઠા સ્પર્શની ભાષામાં પ્રતીતિ કરાવ્યા પછીથી સન્તોષ માની જાય એવી આ નાયિકા નથી. એને તો ઘણાનો લોભ છે. માટે લાડ કરતી, પોતાનું માગેલું પ્રિયતમે આપ્યા વિના છૂટકો જ નથી એવા પૂરા વિશ્વાસ સાથે એ કહે છે: સાથે પ્રણયથી છલકાતી એ આંખો (યાદ છે? લગ્ન પછી અગાશીમાં ચાંદની રાતે કશું બોલ્યા વિના, આંખમાં આંખ પરોવીને બેસી રહેતાં તે?) ને અમૃતથી છલકાતી વાણી પણ લાવજો. પ્રેમની આવી પ્રતીતિ ફરી ફરી પામવાનું કઈ સૌભાગ્યવતીને મન ન થાય? એને માટે કૃત્રિમ કલહ યોજવો પડે તોય શું?
કૃતજ્ઞતા અને પ્રણયની સભરતાથી ભાવ પુષ્ટ થયા પછીથી હવે નાયિકાને મુખે કાવ્યની મુખ્ય વાત કવિ ઉચ્ચારાવે છે. ને તેય કેવી રીતે? જાણે કશું અસામાન્ય કહેવાનું નથી, આ તો લખતાં લખતાં એક વાત યાદ આવી તે કહી નાંખું છું! પેલી બાજુ નાયક બિચારો વધામણીના સમાચાર જાણવાને કેટલો આતુર હશે! છેલ્લી ચાર પંક્તિઓ આપણા કાવ્યસાહિત્યની અમર પંક્તિઓ છે. એમાં પત્નીની ગર્ભધારણની વેદના પરત્વેની પતિની સહાનુભૂતિ નાયિકાને મુખે વ્યક્ત કરાવીને વહાલસોયા પતિનું સુરેખ ચિત્ર કવિએ ઉપસાવ્યું છે. જે એક વાર ગર્ભમાં ‘સૂતેલું વજન’ હતું, તે જ ફૂલ સરખું હવે ખોળે ખેલતું થઈ ગયું છે. વજન કેવળ ઉપાડવાનું, વહેવાનું હોય; પણ એને ખોળે રમાડીએ એટલે એનો ભાર ન રહે.
નાયિકાની, અને સાથે સાથે કવિની, ચતુરાઈની બીજી વાર આપણને સુખદ પ્રતીતિ થાય છે. બાળકનું વર્ણન એ નાન્યતર જાતિમાં જ કરે છે ને એ રીતે, છેક છેલ્લા શબ્દ સુધી બાળકની જાતિ અધીરા પતિને કળવા દેતી નથી. ગુજરાતી કવિતામાં પ્રાસ કાવ્યત્વને ભારોભાર ઉપકારી નીવડે એવી રીતે બીજે ક્યાંય ભાગ્યે જ યોજાયો હશે. અલબત્ત, જો કાવ્યનો નાયક વિદગ્ધ હોય, પ્રાસરચનાની કંઈક સમજ ધરાવતો હોય તો છેક છેલ્લી લીટીના છેલ્લા શબ્દ સુધી જવાની એને જરૂર ન પડે. ‘અંગૂઠો પદ્મ જેવો’માંના ‘જેવો’ વાંચતાંની સાથે જ એ દીકરાનો જન્મ થયો છે એમ સમજી ગયા વિના ન રહે. પણ એટલી બધી ચતુરાઈ નાયકમાં આરોપીએ તો આપણા રસમાંથી બાદબાકી થાય માટે નાયકને નાયિકા કરતાં ચતુર માનવાની જરૂર નથી. અંગૂઠો ચૂસતું (ને તે અંગૂઠોય વળી પદ્મ જેવો – પદ્મ જેવો નહીં પણ પદ્મકોરક જેવો, કમળની વણખૂલેલી કળીના જેવો – એમ જ કવિને કહેવું હશે ) બાળક ને પેલું વજન – કેટલો ફેર પડી ગયો! હવે બાળકનો સાક્ષાત્કાર થયો. પહેલાં ગર્ભ ફરકે ત્યારે વેદના રૂપે જ એની ઉપસ્થિતિ અનુભવાતી, ને હવે તો જુઓ ને, આ ખોળામાં અંગૂઠો ચૂસતું પગ ઉલાળતું પડ્યું છે!
‘ગોરું ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો’ – એક જ પંક્તિમાં સુન્દર સ્વભાવોક્તિ કવિ આપણને આપે છે.
ને છેલ્લે સ્ત્રીસહજ ઉક્તિ કવિ ઉમેરે છે: એ દીકરો કેવો છે તેનું વર્ણન હું કાગળમાં નહીં કરું. હે પ્રિયતમ, તમે જ અહીં આવો, જુઓ અને એની આંખો કોના જેવી છે તે કહો. અહીં એ પુત્રને એની માતાની જેવી નમણી આંખો પ્રાપ્ત થઈ હશે ને તેના પૂરા ભાન અને ગૌરવ સાથે એ આ કહેતી હશે એવો આપણને વહેમ જાય છે. પણ એમાં આપણો શું વાંક?
સ્ત્રીપુરુષના દામ્પત્યજીવનના એક મહત્ત્વના સીમાચિહ્નનું આવું કાવ્યમય નિરૂપણ આપણા સાહિત્યમાં વિરલ જ છે.
(1. પાછળથી બ.ક.ઠાકોરે ‘અખૂટ જ રસે’ પાઠને બદલે ‘સતત ચુચુષે’ એવો પાઠ સ્વીકાર્યો હતો
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’