અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/ઝાકળની પિછોડી
બાલમુકુન્દ દવે
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો —
શ્વાસને સેજારે જાશે ઊડી
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં —
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મ્હોરે સાચા મોતી-મોગરાજી!
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાં જી ઊંઘવાં કે —
કોઈ નો શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!
(પરિક્રમા, પૃ. ૧૩૪)
જૂઠી ઝાકળની પિછોડી
મનુષ્ય માત્ર ઇન્દ્રિયાદિસંઘાત નથી, મનુષ્ય મનનશીલ પ્રાણી છે. એટલે કેવળ દેહધારણ અને ઇન્દ્રિયસુખની પ્રવૃત્તિમાં જ એના પુરુષાર્થની પરિસમાપ્તિ થઈ જતી નથી. સુખ એને જોઈતું હોય છે અવશ્ય; પણ માત્ર ક્ષણિક સુખથી એને સંતોષ થતો હોતો નથી. તેને સ્મૃતિ અને દૃષ્ટિ. બન્ને મળ્યાં છે. એટલે એ કેવળ વર્તમાનની ક્ષણમાં જીવતો નથી, પણ ભૂતકાળનો અનુભવ અને ભવિષ્યની કલ્પના, બન્નેને લક્ષમાં રાખીને, ચિરસ્થાયી સુખ મેળવવા માટે એ વર્તમાનમાં ક્રિયાપ્રવૃત્ત થતો હોય છે. એ પ્રવૃત્તિ એની સફળ, અલબત્ત, ત્યારે જ થાય, જ્યારે એને ચિરસ્થાયી શું અને ક્ષણિક શું, નિત્ય શું અને અનિત્ય શું તેનો ભેદ સમજાય.
માનવજીવનની એક કરુણતા એ છે કે ઘણાંખરાં મનુષ્યોને એ ભેદ અન્ત સુધી સમજાતો જ નથી હોતો, અથવા સમજાતો હોય છે, બાજી હાથમાંથી ચાલી ગઈ હોય છે ત્યારે. ધન, સત્તા, લોકપ્રિયતા વગેરેનો મોહ માણસને એવો વળગ્યો હોય છે કે આંખ મીંચીને એ એની જ પાછળ દોડ્યાં કરતો હોય છે. પણ એ વસ્તુઓ કોઈની કદી થઈ નથી, કોઈની કદી થવાની નથી. અને તેની પાછળ ફાંફાં મારનાર મનુષ્યે કાયમ ટળવળ્યાં કરવાનું હોય છે તૃષ્ણાથી અને રહી જવાનું હોય છે અન્તે હાથ ઘસતાં. માણસ આ નથી જાણતો હોતો એમ નથી, પણ જાણ્યા છતાં, એની આંખ ઊઘડતી નથી હોતી. પોતાની જાત વિશેનો એનો મોહ એવો તો પ્રબળ હોય છે કે એ પોતાની જાતને અપવાદરૂપ, અ-પૂર્વ અને અ-દ્વિતીય માનતો હોય છે, અને આત્મવંચનાના કળણમાં ઊંડે ને ઊંડે ગરકતો જતો હોય છે. એનું આખું આયખું અનિત્યને નિત્ય માનીને, ઝાંઝવાના જળ પાછળ દોડવામાં વેડફાઈ જતું હોય છે. અને પોતે જેને પોતાની કુનેહ ને હોશિયારી માનતો હોય છે તે છેવટે ઠરતી હોય છે તેની મૂર્ખાઈ.
તેથી, આ કાવ્યમાં કવિ મનુષ્યને નિત્ય શું અને અનિત્ય શું એ પારખી લેવાનું અને અનિત્યની આળંપપાળ છોડીને, નિત્યને જ પોતાના પુરુષાર્થનું લક્ષ્ય બનાવવાનું કહે છેઃ
હે મારા મન! અજ્ઞાનીના ઓરતા ન હોયઃ પણ તું તો નિત્ય શું અને અનિત્ય શું, સત્ય શું અને અસત્ય શું છે તે જાણે છે. અને છતાં અનિત્ય અને અસત્ય વસ્તુઓ પાછળ તું શા માટે પડે છે? તું જે વસ્તુઓ પાછળ પડ્યું છે તે–જિજીવિષા, વિત્તૈષણા, લોકૈષણા, ભોગૈષણા, સાંસારિક સંબંધોનાં માયાબંધન આદિ–તો છે ઝાકળ જેવી વ્યર્થ ને નિઃસાર, તુચ્છ ને ક્ષણિક. નથી એનાથી તરસ છીપતી, નથી એનાથી ટાઢક વળતી. એ બધી વસ્તુઓ નથી તને તૃપ્તિનો ઓડકાર ખવડાવતીઃ નથી જીવનની કૃતકૃત્યતાનો અનુભવ કરાવતી. એ વસ્તુઓ અસત્ય છે તે તું જાણે છે; અને છતાં શા માટે તું એને માટે વલખાં મારી રહ્યું છે? મરણશય્યા પર શ્વાસનો છેલ્લો ફૂંફાડો નીકળશે ને એ બધી વસ્તુઓ થઈ જશે અલોપ અને એમનું નહિ રહે નામ કે નહિ રહે નિશાન.
વિવિધ તાપથી અકળાતી માનવજાત સુખની તરસી છે. પોતાની તરસ છિપાવવાને એ ઘડી આમ તો ઘડી તેમ, ઘડીક આ વસ્તુની પાછળ, તો ઘડીક તે વસ્તુની પાછળ દોડ્યાં કરે છે તે દોડી દોડીને પોતાની જાતને થકવી રહી છે તે તો છે માત્ર ઝાંઝવાં. પોતાને સુખશાન્તિ મળશે તેમ માનીને તે જે વસ્તુઓ મેળવવાને વલખતી હોય છે તે વસ્તુઓ નથી આપતી તેને સુખ, નથી આપી શકતી શાન્તિ, ને વધારી મૂકતી હોય છે તેના હૈયાની અકળામણ અને અજંપો. તો તમારી મનરૂપી ચંચળ ને અબુધ હરણને એ દિશામાંથી પાછું વાળી લો ને સાચાં સરોવરને માર્ગે મૂકી દો. સાચાં સરોવર, જન્મ-જન્માન્તરની તૃષાને છિપાવે તેવાં સાચાં શાન્તિધામ, જગતમાં નથી એમ નથી, અને સાચાં સરોવર કઈ દિશામાં આવ્યાં છે તે તમે જાણતા નથી તેમ પણ નથી. જરૂર છે માત્ર ચિત્રવિચિત્ર અને નયનમનોહર ઝાંઝવાની માયામાંથી મુક્ત થઈને, સાચાં સરોવરની–સ્વસ્વરૂપાનુસન્ધાનની–દિશામાં વળવાની અને આગળ વધવાની.
નિત્ય અને અનિત્ય વચ્ચેનો, સદ્ અને અસદ્ વચ્ચેનો ભેદ ભૂલી જવાથી, ઝાંઝવાં જ તમને સાચાં દેખાય છે. પણ વસ્તુતઃ તો તે કાચાં છે, તકલાદી છે, તુચ્છ છે. જગત્ અને ભગતની દ્વંષ્ટ હંમેશાં જુદી જુદી હોય છે. એકને જે સત્ય. સેવ્ય અને શરેણ્ય લાગે છે તે બીજાને અસત્ય અને ત્યાજ્ય લાગતું હોય છે. એકને મન જે જાગૃતિ છે તે બીજાની દૃષ્ટિએ નિદ્રા છે. જગતના લોકોને જે ‘જાગૃતિનાં મોતી’–અત્યંત મૂલ્યવાન અને કામ્ય પદાર્થો–લાગતાં હોય છે તે જેમની સદસદ્ વિવેકબુદ્ધિ જાગ્રત થઈ હોય છે તેમને જૂઠાં, અસત્ય, લાગતાં હોય છે. અને જગત-સંસારવ્યવહારને જ સાચો માનીને યેન કેન પ્રકારેણ સફળતા મેળવવાને ઝંખતા ને ઝૂરતા જીવ–જેને ‘શમણાં’–અવાસ્તવિક અને અસત્ય–માનતું હોય છે ત્યાં જ મળતાં હોય છે સાચાં મોતી ને સાચા મોગરા એને તમે વીણી વીણીને તોડી લેજો.
હે મારા મન! તો તમે પોઢી જાઓઃ સંસાર જેને સાચો માને છે તેવા વ્યવહાર પ્રત્યે વિમુખ અને બેધ્યાન બની જાઓ. આ ઝાકળની જૂઠી પિછોડી ઓઢી છે તેને ફેંકી દો અને સાચી પિછોડી ઓઢી લો. નિત્ય અને સત્ય પદાર્થોમાં જ મશગૂલ થઈ જાઓ. અને દીપકની સ્થિર જ્યોતિ જેવા બની જાઓ. સંસારના રાગદ્વેષ અને જયપરાજયની લેશ પણ ક્ષુબ્ધ કે વિચલિત થયા વિના, સ્થિર અને નિશ્ચલ આત્મજ્યોતિવાળા કૂટસ્થ બની જાઓ, અને ઉઘાડી આંખે એવા તો ઊંઘી જાઓ કે તમારી સુરતાને કોઈ તોડી ન શકે. સદાકાળ જાગ્રત અને સાવધાન રહીને, જગત જેને સત્ય માને છે તેવી વસ્તુઓના પ્રલોભનથી એવા તો મુક્ત થઈ જાઓ કે તમારી સુરતાને–દિવ્ય અને સત્ય તત્ત્વ સાથેના તમારા અનુસંધાનને–કોઈ તોડી ન શકે. સંસારમાં રહેવું, અને છતાં સંસારનાં માયાવી મૃગજળને છેતરાયા વિના, નિત્ય અને સત્ય તત્ત્વની સાથે આત્માને અચળ અને એક નિષ્ઠ રીતે એવો તો જોડી દો કે એ અનુસંધાન કદી તૂટે નહિ.
આમ આ કાવ્યમાં નિત્યાનિત્યવિવેક, નિત્ય તત્ત્વને પામવાનો પુરુષાર્થ અને અચળ આત્મનિષ્ઠા જ સુખશાન્તિનાં સાધન છે એ બતાવવામાં આવ્યું છે. કાવ્યમાં ભગવદ્ગીતાના ભણકારા સ્થળે સ્થળે સંભળાય છે; ને કેટલીક પંક્તિઓ અત્યંત સુન્દર છે.
(‘આપણો કવિતા-વૈભવ’)