અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/વિરહિણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિરહિણી

બાલમુકુન્દ દવે

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ,

જૂઈ ઝળૂંબી માંડવે, ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વ્હાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત,
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કરું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

નારીઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઇશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!

(કુન્તલ, પૃ. ૧૦)