અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/અગિયારમો અવતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અગિયારમો અવતાર

ભાનુપ્રસાદ ત્રિવેદી

ચ્યમ કૉન ઢાંકી દીધા બાપજી?
કૉન અપવિતર થોંય સં?
તમારા હગલાનાં લખ્ખણ પરખાયાં
એ ન વેઠૉણું?

તાણ શું એ દિયોરના ગુણ ગાવા જ
આપણે જનમ લીધો સ?

હારુ થ્યુ તો ભગવૉને કર્યું!
ને ખોટુ થ્યુ તો આપણા કર્મે થ્યુ,
— ચ્યૉં હુધી આવી હોફલૉમણીઓમાં
મઝ્યોર થૈનૈ પડ્યા ર્‌હેશો?

હારાને હગદોળાવે નૈ?
તે વળી હારુ કરે!
ને નરહાને વકરાવે!
હાચને દંડે
ને જૂઠને શરપાવ આલે!
ભલાની ભાવશી લૂંટાવે,
ને ભૂંડાને મૉથે ચડાવે!
હપતરને પીલાવે
ને કપાતરને ખિલાવે!
શતકર્મીનો મનખો રોળે
ને અપકર્મીને અત્તર ચોળે!
ન્યા ઉપર અન્યાને
ને હપાતર ઉપર કપાતરને
ને નિરદોષ ઉપર ગુનેગારને થાપે!

તાણ એ અવતાર કુનું રખોપું કરવા લે સ?
કુનો નાશ કરવા બેઠો સ?

ઈને થાપવુ સ શુ?
ને ુથાપવું સ શુ?
તમે જ ક્‌હો બાપજી,
ઈને હારુ કરવુ જ હોય
તો ત્યાં બેઠે નથી થતુ?
તે અવતરવાના ખેલ પાડ સ?
મારો હાળો ભવૈયો!

શુ બડફડ બડફડ કરો સૉ —
તમારા ભગવૉન હોમું જોઈન?
કશુ નૈ?

હાંભળી ઈમો શુ!
ઈમ કે... આ અદમ પ્રોણી
તમારી ખોદણી કર સ ભગવોન!
તે ઈને એવો દંડ દેજ્યો
કે ખોડ ભૂલી જાય!
ખરુ ને!

અરે બાપજી! ખોડ ભૂલી જ જ્યો સુ હું તો!
તમારા વગર કીધે!...

પણ ભગવોન મારો બેટો
સ પૉકેલી માયા, હોં બાપજી!
પતાહુ આલીને કલ્લી કાઢી લે!

ઘણી વાર તો પતાહુય આપણું લાવવું પડે —
આપણને આલતા!

વાર-કવાર ને તિથિયો કરાવે
નારિયોળો ફોડાવડાવે ને થાલ ધરાવડાવે...
ભજનો-કથાઓ-પારાયણો બેહાવડાવે
જ્યાગ તેડાવે ને જ્યગનો કરાવડાવે...
જપ-તપ-તીરથ કરાવડાવે...

બાર મ્હૈનૉનો થૈ કુણ જૉણે
આખો કોહ ઠલવાઈ દેતો હશે આપણા કોઠામાં —
ઈના ચૈણાંમ્રતનો!

પણ પસં?
ખરા તાકડે ડૈયો દેખાડે!
હાળો ઘંટ!

પાશી શી હૉન કરી બાપજી? તમારા કરુણાશાગરને?
કરો! કરો હૉનો!

એક દા’ડો વેઠી જુઓ શંશાર
તો ખબર્ય પડે
કે ચેવી હૉનો થૉંય સં!
દાઢાં રાખ્યે શું ન્યાય થ્યા?

રીહ ચડી બાપજી?
એક માલપૂઓ વધારે ખાજ્યો!

હાચુ કહેજ્યો બાપજી:
તમે કદી હારાને હખી થતો હાંભળ્યો!
શતજ્યુગથી માંડીને આજ હુધી?

તમે ઈની આરતી ઉતારો સો
જ્યુગ જ્યુગથી,
શા હવાયા ફૅણ્યા?
નઠારાને મૉન આલો
એટલે એ બરમ થાય!
ઈમાં આ તો નઠારાનાય ઉપલા વાઢનો!
પેલા રાશ્રશોય
ઈમના પગ પકડનારને તો હાચવતા
પણ આ તો—

પોતાના ભગતનું સત્યાનાશ વાળી નોખે!
હાળો મૉથા વનાનો ખવી!

હેં? શુ થ્યુ બાપજી? બશ? હેંડ્યા?
પૅહૉ! ભગવૉનની ગોંડ્યમાં પૅહૉ!
ઘંટડી તો પકડાઈ સ આ ભવનાં
આવતા ભવ મોટો ઘંટ પકડાવશે!

દેખ્યા?
કુને — ભગવૉનને?
દેખ્યા હોત તો ઈના ઢંગોરા ભાગી ના નાખ્યા હોત?
— વગર દેખ્યે ઠોક ઠોક કરતા હય?
પણ ઈમ તો તમેય ચ્યૉં દેખ્યા હય?
તમેય દેખ્યા વના જ હવાહલાં કરો સૉ ને?

અને એક અળગત્યની વાત બાપજી:
નથી ને તમે ઈને હાચુકલો દેખો,
આ શિંઘાસન પર બેહી જાય,
ને તમારા સપ્પન ભોગ વસોટી જાય,
ને તમારી ગાદી પર આળોટે,
ને ભક્તોણીઓ પાહે પગ દબાવડાવે,
તો તમેય ચીપિયો લૈન
વાંહે ના પડો?

ઑંમાં ભગવૉનમાં ન મૉનવાની વાત ચ્યૉં આઈ?
પેલો ગનેગાર
જ્યમ ઈની ઍંધૉણીઓ મેલતા જાય સ
ઈમ ભગવૉન
ડગલે ને પગલે
ઈની ઍંધૉણીઓ
મેલ્યે રાખ સ!
‘ચેઈ’ — તે નથી ભાળતા?

મૉહણ ભા-વારીથી મથતો... મથતો... મથતો...
બધું ઊભું કરે
ને ભગવૉન રમડભમડ કરી નાંખે!

હારુય ભગવૉન કર સ?
શુ હારુ કર્યું?
હારુ તો મૉણહ કર સ!

ભગવૉને તો —
પેલુ ચેવુ ક્‌હો સો?
પરાકરુત!
ભગવૉને તો આ બધું
પરાકુરુત મેલ્યુ’તું.
ઈમાંથી મૉણહે ચેળવ્યું, ઘડ્યું, શંસ્કાર્યું...

ઈની ઇસ્સાથી આ બધું થયું?
ઈની ઇસ્સા વગર
પાંદડુય ના હાલે?
તે હૌની વતી ઇસ્સા
કરવાનો ઈણે કંત્રાટ રાખ્યો સ?
મૂઢુ બગાડશો નૈ!
બળ્યુ, ઈણે જે... કર્યું એ!
પણ એ કપાતર થોલુ એવું ઘાલતો જ્યો સ,
તે કૂતરુ તૉંણ ગૉમ હૉમુ
ને શિયાળ તૉણે શૅમ હોમું!

કોઈને હખ ના પડવા દે!

આવું કરવા આપણને રમજ્યા સં?
ના હમજ્યા હોત તો ઈના બાપનું શુ જૉત?
હેં? ભગવૉનને બાપ જ નથી?
તેમાં જ વકરી જ્યો સ
દિયોર પાડો!

અરરર! નૈ ગાળો દૈયે
તમારા ભગવૉનને
બશ? હવે રાજી?

પણ એક મુદ્દાની વાત ક્‌હૌં બાપજી?
ભગવૉન કરતાં તો મૉણહ હારો!
તમેય હારા, હોં બાપજી!
તમને ‘જે શીત્તારૉમ’ ક્‌હૈયે એટલે પરશાદ આલો!
આલૉ ક નૈ?
‘મૉણહ હારો’ — ઈમ જ કહૌં સુ!
ચ્યમ તે... મૉણહ તો બાપડો માટી જેવો!
ખૂંદાય ને ગૂંદાય,
ટપલાં ખાય ને ઘડાય,
ભઠ્ઠામાં શેકાય ને પકવાય,
વપરાય ને ઘહાય,
વપરાય ને ઘહાય,
ઈમ કરતાં કરતાં એક દા’ડો
પાસો માટી ભેગો!
ફરી પાસુ ચક્કર ચાલુ!
લપચોરાશીમાં તવઈને આયો સ!
હારો થ્યે જ ઈનો સૂટકો!
પણ ભગવૉનને તો
હારા થવાનો આવો લાગ જ નૈ ને!
ઈને શુ વેઠવું પડ્યું સ?

વેઠે ઈની ઑંખ્યો ઊઘડં,
હૉન આવે, ભૉન આવે...

ભગવૉનને તો કૂલે પૉનિયો અડં સં!
ઈને ચ્યૉં હૉળ શેડવા જવુ’તુ?

ક નોકરી કરવા જવુ’તુ?
ક બેકારીથી ક્‌હાયા થૈ ન આપઘાત કરવા જવુ’તુ?
ક બાયડીના ગોદા ખાવા’તા?
ક સોકારાં ઓલે કૂટઈ મરવુ’તુ?
ક ઘૈડપણમાં હાડ્ય હાડ્ય થવુ’તુ?

ઈને તો નાગા કૂલે નગારાં,
ને ફાવે ઈમ વગાડ્યાં!
લીલાયો કરવી
ને પોઢી જવું!

અને તાલ તો જુઓ બાપજી!
પોતે ત્યાં બેઠા બેઠા
બીજાની કશોટીઓ કરઁ,
પોતાની જ નૈ!
હૌની તાવણી કરઁ,
પોતાની જ નૈ!

ચૌદ લોકના નાથ થ્યા સઁ
પણ રાજ ચલાવતાં તો આવડતું નથી!
વહીવટમાં મૅંડુ!

ઈમ કરતાંય હખણો બેહી રહેતો હોયને,
તો તો નિરાંત!
પણ — ઈનું નખ્ખોદ જાય,
આ અપલખણો તો—
રૉમ રૉમ રૉમ! આ જીભ એવી ક્‌હોડાફાડ સ...!
મૂઓ એ ભગવૉન!
ઈનું કાળુ જ ના કરે!

હેં બાપજી,
ભગવૉનને ડિશમિશ ના કરાય?
તમે અહૉ સૉ બાપજી
પણ એ ેવો અવળગફો સ
ક ઈની પાહે જઈએ તોય દૂણે
ન ઈનાશી શેટા ર્‌હૈયે તોય દૂણે!
વવેક જ નૈ!

ના રે બાપજી!
ભગવૉન શુ, ભગવૉનનું પૂંસડુય ભાળ્યું નથી!

બાપજી! ભગવૉનને પૂસડુ હોય તો ચેવું હારુ!
કો’ક દાડો ઘાટમાં આઈ જાય તો
ઝાલીને એવો વેંઝોળિયે
તે મકોડા વસૂટી જૉંય!

અડબંગ?
ખરુ કહૉ સૉ બાપજી!
હું સુ તો અડબંગ જ!

તમારા ભગવૉનને મને આવો ચ્યમ બનાયો?
ના, તે હું ચ્યૉં કહૌં સુ મને એકલેકુ?
તુમકુ... હમકુ... ચોર-લૂંટારા-ઘાતકીકુ...
સબકુ એ ભગવૉન જ બનાઈ ગ્યો હય!

પણ શેવટ તો હૌને દખી કરવા જ ને બાપજી!

ક્યા બિચારમેં પડ ગયા?
બિચારમેં તો એવા પડ ગયા સુ બાપજી,
ક હૌથી મોટુ પાપ ચિયુ?

મને પૂસૉ તો
આ હરજવું એ જ મોટું પાપ સ!

હેં બાપજી! હરજ્યા વના
ભગવૉનનો સૂટકો જ નૈ હોય?
ચેવુ મૉથે આયુ સ બાપડાના!
જીવે ત્યાં હુધી બશ, પાપ જ કરવાનાં!

શુ કીધુ? અજરામર?
અનાદિ? અનંત?
લ્યો કરો વાત!
ભગવૉનને અનંતકાળ પાપ જ કર્યા કરવાનાં!
ઈની શદ્ગતિ ચ્યાણ થાય?
અરર બાપજી, આપણે તો મરીનેય સૂટીએ!
પણ ભગવૉનને તો મરવાનુંય હખ નૈ ને?

અને તારણહાર એ પોત્તે જ!
એટલે ઈને તારેય કુણ?
અધમ-ઉધારણ પોત્તે
એટલે ઈને ઉદ્ધારય કુણ?

મને તો બચ્યારા ભગવૉનની દયા આવ સ!
ઈન થાય સ... ક ભગવૉનનો ઉદ્ધાર કરવા
મારે જ અવતાર લેવો પડશે!
શુ કીધુ બાપજી? અગન્યૉની સુ?
મારો મોક્ષ ચ્યાણ થશે?
નૅહાકા નાંખસો નૈ બાપજી!
મૂઓ મારો મોક્ષ નૈ થાય તો
હાતડા ભવેય!
મોક્ષને મારે શુ ઉહારવો સ?

ઈમાં તમે ચ્યમ વલોપાત કરો સો બાપજી?
મને મારા કલ્યૉણનુંય ભૉન નથી?
ભૉન હઈનેય શું?
ને ના હઈનેય શુ બાપજી?

ઈને ઓળખી લઉં તો બેડો પાર?
મારો કે ઈનો?
મારો?
બાપજી, આપણે ચ્યોં બેડો પાર કરાબ્બો સ?
તરે કે ડૂબે!
મારા ભાનું શુ જવાનુ સ?
અને ઈને ઓળખીનેય શો શાર કાઢવાનો બાપજી

શરૂપ?
ભગવૉનને શરૂપ હોય?
ચેવો? શચ્ચિદાનંગ?
શચ્ચિદાનંદ!
તે હશે! ઈમાં આપણો શો વાંક?
‘બુદ્ધિ કા ભરમચારી’ સુ?
બિચાર કરનેકુ મારું કૉમ નૈ?

હાચી વાત સ બાપજી!
વચ્યારે જ દાટ વાળ્યો સ!
ચેવો? નિરગુણ?
હવે હાચુ બોલ્યા બાપજી!
ભગવૉન જેવો નગુણો તો
પરથમીના પટ ઉપર હોધ્યોય ના જડે!

ઐસુ નહીં?
તો કૈસુ?
ભગવૉન અ-કરતા સ!
તો પસં — ‘ખરો કરતા-હરતા-ધરતા તો ભગવૉન સ...
‘હું કરું—હું કરું’ એ અહંકાર સ...’
— એ બધું ખોટું?
જો એ અ-કરતા હોય તો
તો આ બધું થ્યુ શી રીતે?
ઈની મેતે? પણ થ્યુ શુ કૉમ

ના થ્યુ હોત તો ના ચલૉત?
શુ અડી પડ્યું’ત આ આખાય કમઠૉણ વગર?

ઈની ઇસ્સા?
‘ઇસ્સા’ કરે એ અ-કરતા કહેવાય?

હારુ! એવુ ઝેણુ ઝેણુ નૈ પૂશીએ!
પણ ઈને ‘ઇસ્સા’ શા ઓલે કરવી પડી?

એકલો હતો — તે બ્હૌ થ્યો?
તમેય હાક્યે રાખો સો બાપજી!
એકલો ચ્યાણ ક્‌હેવાય? ક્‌હેજ્યો!
બીજું કો’ક કે બીજું કશુંક!
શેવટ માટીનું ઢેફુય પ્હેલાં હોય
ને પસં જતું રહ્યું હોય તાણ!
પણ એ તો હપૂચો એકલો હતો! નંગધડંગ!
પ્હેરવા લૂગડુંય નૈ હોય ને?
ઈં ચ્યૉં મિલ્યો હતી?
ક પસં એકલો થ્યા પ્હેલાં બેકલો હતો?
ભગવૉન પૈણ્યો’તો?
ઈની હાહુએ ઈનું નાક ખેંચ્યું’તું?

‘અક્કલના ઓથમીર’
હું ક ભગવૉન?
હું?
હારુ થ્યુ બાપજી કે તમે ટોક્યો!
નક ભગવૉનનો વેલો —
બલાજૉણે ચ્યૉંથી ચ્યૉં પૉકૉત?
વેલા-બેલા કુછ નૈ
માયા?
એ ભગવૉનની શુ થાય?
કાંય નૈ?

તોય એ રાંડ પડી ને પાથરી ર્‌હેતી’તી
ભગવૉનની હૉડ્યમાં!
હં! ઈમ કહો ને તાણ!
એ હગલીનાં જ આ બધાં ચરિતર સં!
ભગવૉનેય મારો બેટો લહણિયો સ!
ચેવું શટરપટર ચલાવ સ માયા હાથે?
હેં? શુ કીધું?
ઈના શરણે જઉં?
શો લાડવો લેવા
મને અંધકારમાંથી પરકાશમાં લઈ જાય?
અરર બાપજી!
આવો — માના ખોળા જેવો અંધકાર મેલીને
પરકાશમાં શા ઓલે જવુ પડે?
બળ્યો એ પરકાશ!
પરકાશે કો ક્‌હાયા ક્‌હાયા કરી નાંખ્યા!
અંધકારમાં કોઈની અલહ-ખણહ તો નૈ!
ભગવૉન તો દિયોર તબ્બલ સ!
તે પેટ ચોળીને પીડા ઊભી કરી સ!

દરષ્ટા? ખાલી જોનારો જ!
વગર ફાંહુનો જોયા જ કરે!
ચ્યમ?
ઈને વળી આવી શી લત પડી સ?
આ બોલને કા- હાંભળને કા વિષય નૈ હય?
દેખને કા હૈ?
તે પ્હેલાં જ દેખાડી દેવુ’તુ ને?
આ મંદેરની ભેંતે ચીતર્યા હય, ઓ દેખને કા?
એ તો જલમ્યો તાન્નો જોઉં સુ!
જળબંબાકાર સ...
ઈમાં તરાપા જેવા હાપના ગૂંચળામાં
ભગવૉન પોઢ્યો સ...

અરર! તમારો તારણહાર
તો એક તરાપોય બનાઈ હકતો નથી!
તે હાપનું ગૂંચળું હોધ સ!
કાંય કાંય નૈ, ને હાપનું ગૂંચળું?

ચ્યમ શૅંટૉણા બાપજી?
શુ?
ભગવૉનને આવુ ના બોલાય!
એ તો ભગવૉન સ?

પણ હેં બાપજી! ભગવૉન ચ્યમ હુતડો ને હુતડો રહેસ?

શુ કીધુ?
બિચમેં નૈ બોલને કા?
તમેય બાપજી! બોલવાનો ખરો ઘાટ આવ, તાણ જ મૂંઢુ બંધ કરાઈ દ્યોસો!

હોવ! જોયું!
હાપની ફણા ભગવૉોનને સાંયલો કર સ!
બચ્યારાને એક સત્રીનાય હાંહા સં!
હાં, હાં!
ભગવૉનની ડૂંટીમાં કમળ ઊગ્યુ સ...
તે હેં બાપજી!
દૂંટીમાં કમળ ચ્યમ કરીને ઊગતુ હશે?
માંય કાદેવ હશે?
હંહ્! દિયોર ગંધ્યો! (હાક્ થૂ!)

રિહાશો નૈ બાપજી! ઊભા ર્‌હો!
હા, તે એ કમળમાં ભ્રમ્માજી બિરાજેલા હતા!
તે ભ્રમ્મોજી ચ્યોંથી આઈને બેહી જ્યા?
શું? પાસો બિચમેં બોલ્યો?
નૈ બોલું!

હં! ભ્રમ્માજીને થ્યુ ક આ કમળમાં બેઠેલો જ હું સુ
એ કુણ સ?
એ જૉણવા એ કમળના ડોંડામાં ઊતર્યા!
હૉ વરશેય તાગ ના મળ્યો!
પસં હૉ વરહ ઉપર આવતાં થ્યાં!
ઈ...મ! ભ્રમ્માજીનાં બહં વરહ!
પસં?
તપ તપ્યા
ને સ્રષ્ટિ રચી
હં...! તાણ તો એ ભ્રમ્માજી જ મૂળે બેઠો સ!

ના, પણ કમળ ના હોત
તો ભ્રમ્મોજી ચ્યૉંથી હોત?
પણ કમળનાં મૂળ તો પેલી દૂંટીમાં સં!

— એકદમ ખડા ક્યું થૈ ગ્યા?
‘ખડા’ તો પે...લી ખુરપી લૈવા થૈ ગ્યા!

— ખુરપીનું શું કરવુ હય?
ખુરપીનું તો કશું કરવું નૈ હૈ—
જે કરવું હય એ પેલી દૂંટીનું કરવું હય!
ઊઠો બાપજી!
બતાવો ન તમારો એ ભગવૉન ચ્યૉં પોઢ્યો સ?
દિયોરની દૂંટી જ ખોતરી કાઢું—
તે આ આખુંય ભ્રમ્મૉણ્ડ
ઈની બુનને રાખું હડડ હુમ્ કરતુંક ને—