અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/હું શું કરું તો હું મને પાછો પામું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હું શું કરું તો હું મને પાછો પામું?

ભાનુપ્રસાદ ત્રિવેદી

કેટકેટલાં વર્ષોથી અહીં વસું છું
પણ આ નગરને હું ઓળખતો નથી.

પર્વો તો અહીંય છે — ઊલટાં વધારે ઠાઠ-માઠવાળાં!
પરંતુ મારું હૃદય સાવ અતડું રહે છે.

હા, ક્વચિત્ ગર્ભદીપ નજરે પડી જાય છે ત્યારે
હું ઘડુલાની જેમ છિદ્રે છિદ્રે કોરાતો જાઉં છું...

ક્યાં છૂટી ગયો એ માંડવીનો ચૉક?
ક્યાં લોપાઈ ગયું એ ગામનું પાદર

ઢોરાંની ઠાઠ્ય છૂટવા સમયે
પાછળ પાછળ દોડતી,
કૂંડાળાં કરી પોદળા બોટતી
કૂંસલો ઢેલી છોડીઓ...

અને છાણનું એ ઘ્રાણ...

જુદા જુદા વાસમાંથી નીકળતી
જમના નદીઓ જેવી
ભેંસોની એ ઠાઠ્ય
જેના વિસ્તરિત છાંયડામાં ભેગી થતી
ને પછી ચરવા જતી...

જેના વિશાળ ઘેરાવા નીચે વ્હૅલ્યો છૂટતી,
ચારના પોટલા ઊંચકીને આવતું લોક
જેના છાંયે વિસામો લેતું,
જેની વડવાઈઓએ અમે ઝોલા ખાતા,
જેની ઘેઘૂર ડાળીઓમાં સંતાકૂકડી રમતા —
ક્યાં ખોવાઈ ગયા એ વડ-દાદા?
એ માતાજીનું મંદિર...
જેના મો...ટ્ટા ઓટલેથી છલાંગ મારીને
ડૅંગ ડૅંગાં ભરાયેલા તળાવમાં ભૂસકા મારતા...

કૂવાની અલાણીમાં ઠલવાતો કોસ...
ખબળક્ કરતું ઊભરાઈ જતું થાળું...
નીકમાં વહેવા લાગતો,
ખરેડીથી ખર્‌ર્... ખર્‌ર્... ખર્‌ર્...
ખર્‌ ખર્‌ ખર્‌ ખર્‌ ખબ્બાક્ કરતો કૂવામાં પછડાતો,
પછી ખ્‌રૈ...ડ, ખ્‌રૈ...ડ, ખ્‌રૈ...ડ ઉપર ખેંચાતો
ને ઘડામાં ડબ્બક ડબ્બક થતો હું
ક્યાં લુપ્ત થઈ ગયો?

હું શું કરું તો હું મને પાછો પામું?

વછેરા જેવી વયે
ભણવા માટે ગામ છોડીને નીકળવું પડ્યું ત્યારે
છાતીના પેટાળમાં જે ડૂમો બાઝેલો
તે હજુ વછૂટતો નથી.

હું શબ્દોનો દ્રોહ કરતો નથી

પોકાર તો મેં જ પાડેલો:
મારાં સપનાં ભાગી જાય, અરે કોઈ પકડો!

કૅરિયરની દોટમાં
હજી જેનું નામ પણ પડ્યું નહોતું, એ —
ભીરુ સસલા જેવા,
ભાદ્રપદી પતંગિયાંની — આંગળી અડે તો ભૂંસાઈ જાય તેવી,
અનેકવિધ ચિત્તાકર્ષક ભાતવાળા,
વાસંતી પર્ણની ટશર જેવા,
ઉડ્ડયન કરતા તાષની પાંખોના રંગોની લહરો જેવા,
શૌબિંગીના સ્વર જેવા
પ્રથમ પ્રણયનો
તિલક શ્યામ રાગ જેવો લય
માણસો સૂપે કિટ લઈને ભાગતાં ચક્રો નીચે
ક્યારે ચગડાઈ ગયો — ખબર રહી નહીં...
સમજાતું નથી — માણસ સાથે
અવળચંડાઈ કોણ કરી રહ્યું છે,
પણ
એ સપનાંમાંથી ઘણાં તો —
પછી પસ્તીમાં વેચવાં પડ્યાં,
ઘણાં ભંગારવાળાને,
ઘણાં અટાલા-કટાલામાં કો’ક ખૂણે પડ્યાં હશે...

પણ તે પછી —
સામેના આસોપાલવ પર
અવારનવાર
કૂંપળ થઈને ફૂટ્યા કરતું એ શું હોય છે

કોલાહલો શમી ગયા પછી
રાત્રિ-પ્રહરના પ્રારંભે
આસોપાલવોની હાર સામે
ખુરસી નાખીને બેઠેલો હું —
જાણે એકલો પડી જાઉં છું.
સામાન્ય માણસ ઇચ્છે, તે બધું જ હોવા છતાં —
રિક્ત બની જાઉં છું.

કોઈક સાયંકાળે
આ રળિયામણા નગરની શાન્ત કેડીઓ પર
ચાલતો હોઉં છું
ત્યાં —
સંધ્યાની મેંદી ઘૂંટેલ હથેલીઓ
આંખ આડે આવી જાય છે...

એકાએક મારો હાથ
અમૂલ્ય ભંડાર જેવો એ ડૂમો
જેની ભીતર સચવાઈને પડ્યો છે
એ મારી છાતી તરફ ખેંચાઈ જાય છે.

શબ્દો ક્યાં હતા મારી પાસે?

સારું થયું,
નહિ તો
ડિગ્રીઓથી રીઢી થઈ ગયેલી મારી વાણીએ—
અમે તમારી આંખોમાં ભૂલા પડ્યા,
અને તમે પોપચાં ભીડી દીધાં!
જેવું લવતાં, સ્વરો-વ્યંજનોને
વાસી કરી નાખ્યા હોત...
અહા!
ક્યાં હશે પ્રગાઢ... ગહન સરોવરના
કુમુદ જેવાં એ પોપચાં...?

કોણે અંચઈ કરી’તી?
તેં...?
મેં...?

ના,
શબ્દોનો દ્રોહ કરનારા સમયે.

૯ માર્ચ ૨૦૦૭