અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ઉપરકોટ અવલોકતાં
Jump to navigation
Jump to search
ઉપરકોટ અવલોકતાં
ભાનુપ્રસાદ પંડ્યા
ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી
ત્યમ લહુ ઉઘાડાં ઊંચેરાં દુવાર, જતાં મહીં
પગ થથરતા, મારી વાંસે ધસે બીજું કોણ આ?
ચમકી રહ્યું – એ મારી છાયા! નહીં જયસિંહની!
અવ ભૂખર સિંદૂરી લીટામહીં ગઢ-ગોખલે
કથની ઊકલે ઝાંખી પાંખી સુભાગ્ય સર્યાતણી.
હવડ ગલી, આ ટીંબા, જ્યાં ત્યાં છવાયલ ઝાંખરાં
ઘણુંય ઢબૂરી બેઠાં કિન્તુ કશું નવ ઓચરે!
નવઘણ કૂવાના ઊંડાણે તરે ઇતિહાસનું
શબ, ગરગડીથી રોતી ના છતાંય અડીકડી?
ઉપર ચઢું કોટે – રહેંસાતી સુણું ચીસકોમળી?
ઉપર ચઢું કોટે – રહેંસાતી સુણું ચીસકોમળી?
પવન સૂસવે! કાળું ઓઢી મલીર શિલા મૂગી.
નીરખી રહું ધક્કાબારી આ – શકે અહીંથી પડી
વિભર સહુ વિલાયો; સામે વ્યથા ગારિ શી ખડી!
(આપણી કવિતા સમૃદ્ધિ, પૃ. ૨૪૭)