અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/તમને મેલી…
Jump to navigation
Jump to search
તમને મેલી…)
ભાનુપ્રસાદ પંડ્યા
તમને મેલી મહિયર — પાછો મારગે વળ્યો,
પૂનમે ઊગેલ ચાંદ અચાનક પડવે ઢળ્યો!
જાતી વેળા ગુલાલ ઉછાળી મરકી રહેતા
મારગે હવે કેમ ઉડાડી ધૂળ?
કેતકી ઉપર એકલાં અમે ફૂલ ભાળ્યાં’તાં,
જોઉં ત્યાં રાતોરાત ઊગી ગૈ શૂળ!
કંઠથી કાળા એક વ્હેતું’તું ઝરણું મીઠું
ત્યાંય હોલાની ઘૂકનો ખારો વોંકળો ભળ્યો!
તમને મેલી મહિયર — પાછો મારગે વળ્યો!
અમને દેખી મોલને લીલે દરિયે આવે
બાઢ એવું કૈં દેખતા નથી,
લોકનાં નયન તારલા જેવાં તગતગે પણ
અમને કશું લેખતાં નથી!
આશકા પામેલ ન્હોય એવા કોઈ ધૂપની જેવો
વળગી વેળા વગડે બળ્યો!
તમને મેલી મહિયર — પાછો મારગે વળ્યો!
(અડોઅડ, પૃ. ૫૪)