અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /ઝંખે છે ભોમ (મેહુલા)
ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!
તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા!
હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ મેહુલા!
તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોકસોડ તાણી ઓ મેહુલા!
તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય
ચાંચો ઉઘાડી… બિડાણી… ઓ મેહુલા!
જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ
તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!
ગ્રીષ્માન્તનો સમય છે. વરસાદ ખેંચાયો છે. જે સમયે ઘટાટોપ વાદળોમાં ઢંકાઈ રહેલા સૂરજદાદાનાં દર્શન પણ દોહ્યલાં હોય તે સમયે આકાશમાં નથી ક્યાંય વાદળનું નામ કે નિશાન, ને સૂરજ ભડકે બળી રહ્યો છે, ભડભડતી ચિતાની જેમ. છતાં આકાશ લાગે છે મેલુંદાટ ને ધૂંધળું, કાળની કન્દરા જેવું! દિશાઓ દેખાય છે નૂર વિનાની, રતુંબડી. પવન પડી ગયો છે ને સૃષ્ટિ આખી અનુભવી રહી છે અસહ્ય અકળામણ.
ધરતીનાં ધાનપાન સૂકાઈ ગયાં છે. નવાણોનાં નીર તળિયે જ નથી પહોંચ્યાં, સોસાઈ ગયાં છે સાવ. ગામનાં ખેતરને પાદર, ટીંબા ને ટેકરીઓ બની ગયાં છે ઉજ્જડ ને સૂમસામ ને સીમ બની ગઈ છે ઉદાસ, જામે શોકની સોટ તાણીને સૂઈ ગઈ હોય તેવી! ઢોરાં સૂકાઈ ગયેલી ધરતી પર મોઢાં નાખીનાંખીને ભટકી રહ્યાં છે ને ભાંભરડા નાખી રહ્યાં છે. પંખીઓ થઈ ગયાં છે મૂંગાંમસ. ચાંચો એમની ઊઘડે છે ખરી, પણ ઊઘડે છે એવી જ બિડાઈ જાય છે, કંઠ પણ ભીનો થયા વિના, માનવ આકુળ હૃદયે પોતાનાં ચિન્તાભર્યાં નયનો દોડાવે છે દૂર દૂર દૂર ક્ષિતિજપર્યંત, પણ વરસાદ આવવાની એક પણ નિશાની એને દેખાતી નથી. નથી દેખાતી આછી એવી વાદળી, કે નથી સંભળાતી જીવનની આશાને જગાડે એવી ધીરી સરખીયે ગડૂડાટી. આકાશ અને પૃથ્વી, પશુપંખી ને માનવો, બધાં તલસી ને ટળવળી રહ્યાં છે મેઘને માટે, સૌના પર ફરી વળી છે શામળી છાયા શોક અને મૃત્યુની, ને બધે જ વ્યાપી ગઈ છે ઘોર શૂન્યતા ને નિશ્ચેષ્ટતા, મ્લાનિ ને ગ્લાનિ.
મેઘ ધરતીના હૈયાની આ આગ, આ આરજૂ, આ પ્યાસ પારખી ન શકે તેવો નથી. અને છતાં, કોણ જાણે એને થયું છે એ શું એ હજીયે આપતો નથી એની એકાદી યે એંધાણી?
આ કાવ્ય, આમ ગ્રીષ્માન્તે વરસાદ ન આવતાં ઉજ્જડ ને વેરાન બની ગયેલી ધરતીનું અને દુષ્કાળની આશંકાથી અકળાતા હૃદયની મેઘ માટેની ઝંખનાનું આલેખન કરે છે. પ્રકૃતિવર્ણનના કાવ્ય તરીકે એ પૂરેપૂરું આસ્વાદ્ય છે, પણ એ માત્ર પ્રકૃતિવર્ણનનું જ કાવ્ય નથી. એમાં જે મેહુલાને સંબોધવામાં આવ્યો છે તે કેવળ ધૂમ, જ્યોતિ, જળ અને પવનનો સંનિપાત જ નથી, વિશ્વશાંતિનું પ્રતીક પણ છે.
સામાન્ય માનવીને નથી જોઈતી મહેલમોલાત, નથી જોઈતા કુબેરના ધનભંડાર કે નથી જોઈતી ઠકરાત કે હકૂમત. એને તો જોઈએ છે પેટ પૂરતું ધાન, લાજઆબરૂ જળવાય તેટલું અંગઢાંકણ ને નાનકડા ઘરનો શીળો છાંયડો. પૃથ્વીમૈયા આટલું ન આપી શકે તેમ પણ નથી. પણ થોડાક સ્વાર્થી ને સત્તાભૂખ્યા માણસોએ તંત્ર જ એવું ગોઠવ્યું છે કે તેઓ અને તેમના મળતિયા આળોટે સુખચેન અને સાહેબીમાં; અને સામાન્ય માણસના ભાગ્યમાં રહે છે માત્ર આંસુ. પ્રસ્વેદ અને યાતના જ. સામાન્ય માણસને એમણે બનાવી દીધો છે પોતાનું પ્યાદું, ને તેની વહારે ધાવાનું બહાનું કાઢીને તેઓ ફાવે ત્યારે સળગાવતા હોય છે યુદ્ધ ને પોતાનો સ્વાર્થ સાધવા માટે ઓરી દેતા હોય છે સામાન્ય માણસને જ અશાંતિની આગમાં, દર દાયકે બે દાયકે આવું બન્યાં જ કરતું હોય છે, ને સામાન્ય માણસે તો યુદ્ધ ચાલતું હોય ત્યારે યુદ્ધના અને યુદ્ધ ન ચાલતું હોય ત્યારે યુદ્ધના ભયના ઓછામા તળે જ ફફડતાં જીવવાનું હોય છે. આ કાયમની અશાંતિ એના જીવનના રસને અને ઉલ્લાસને ભરખી જાય છે. એની ઝંખના છે એક જઃ વિશ્વશાન્તિની. અને એ ઝંખના ક્યાંય શમતી નથીઃ શમતી નથી એટલું જ નહિ પણ શમે એવાં ચિહ્નો પણ ક્યાંય નજરે પડતાં નથી. જ્યાં જુએ ત્યાં એને નજરે પડતાં હોય છે ભય અને શોક, ક્લેશ અને મૃત્યુ જ. માનવજાતની આ આકુળતા, એ આકુળતા શમાવવાની અધીરતા અને શાન્તિ માટેની ઝંખના પણ આ કાવ્યમાં જોઈ શકાય છે.
વિશ્વશાન્તિની ઝંખના તરીકે આ કાવ્યને જોતાં, તેના ટીંબા, વાવ, ભેંસ, ગામ વગેરે કેટલાંક પ્રતીકો, અલબત્ત, બરાબર સમજાતાં નથી. પણ તે હકીકત કાવ્યના રસાસ્વાદને વિઘ્નકર નીવડતી નથી.
(‘આપણો કવિતા-વૈભવ’)