અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર ભટ્ટ/હમચી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હમચી

ભાસ્કર ભટ્ટ

અમે રમતાં ગાર્ય ગોરમટી રે —
હાં રે બઈ હમચી લ્યો.
આખા ડિલે ઊમટી રે — હાં રે...
આડા અવળા ચીતર્યા મોર,
નાચે ઓણ ને ટહુકે પોર
ઢેલ નજરની ઢળતી રે — હાં રે બઈ...
પાલવ અડ્યે પલળતી રે — હાં રે બઈ...
ભીની ગાર્યે પગલી પા – પા
એના વાગ્યા હૈયે થાપા,
આખી શેરી રમતી — હાં રે બઈ...
ઉંબરે ડેલી ઊમટી રે — હાં રે બઈ...
વધી ગાર્યનું થાપ્યું છાણું.
બાકી પૂર્યું કોઠી સાણું.
ડાંખળે દીધી ચીમટી રે — હાં રે બઈ...
આખા આયખે ઊમટી રે — હાં રે બઈ...
(કુંપળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)