અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/વાલમજી! હું તો —
Jump to navigation
Jump to search
વાલમજી! હું તો —
ભાસ્કર વોરા
વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.
આશાનું આભ મારું ગોરંભી લીધું
ને રોકી લીધી મુને વાટમાં,
ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા
ને રીઝવી દીધી મુને છાંટમાં,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી.
દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું
એને મલ્હારી સૂર થઈ ઠારો,
વ્હાલપની વાછંટો એવી મારો
કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો,
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો
કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.
(શબ્દની આંખે : સૂરની પાંખે, ૧૯૯૮, પૃ. ૯૪)