અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભૂપેશ અધ્વર્યુ/વાયરો અને વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાયરો અને વાત

ભૂપેશ અધ્વર્યુ

વાયરો તો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો તો વ્હૈ જાય.
આપણી ગોઠડ આપણી ગોઠે તોય ર્હૈ કાં રૈ જાય, રે વ્હાલમ,
તોય રે કાં ર્હૈ જાય?

નાગરવેલે પાન કૈં ફૂટ્યાં લવિંગ છોડે ફૂલ
વાટ જોતાં તો જલમ વીતે તોય રે ના લેવાય, રે તંબોળ
તોય રે ના લેવાય.

પાંપણ નીચે પાન ખીલે ને કંચવા હેઠે ફૂલ
હોઠથી ખરી ગોઠને ઝીલી હોઠ ગુલાબી થાય, રે વ્હાલમ,
પાન ગુલાબી થાય.

પાન ગુલાબી થાય, રે વ્હાલમ, વાયરો શેં વ્હૈ જાય,
પાતળો આવો વાયરો આપણી ગોઠડ શેં વ્હૈ જાય,
વાયરા ભેળું વ્હાલ આવે, નૈં વાયરા ભેળું જાય,
હાટમાં એનાં મૂલ ન ઝાઝાં, પાલવડે નહીં માય, રે વ્હાલમ,
પાલવડે છલકાય.

લઈ લે — પાણી-મૂલનો સોદો — સાવ રે સોંઘું જાય
કાનની તારી ઝૂકતી કડી સાંભરે રે નૈં કંઈયે જરી એમ
પતાવટ થાય, જો વ્હાલમ એમ પતાવટ થાય.

વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ,
વાયરો છો લૈ જાય, રે આપણ એયને છો વ્હૈ જાય, રે વ્હાલમ,
તોય નહીં ર્હૈ જાય.
(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૬૧)