અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગળ રાઠોડ/એ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંગળ રાઠોડ


રોજ
સવારે
મુઠ્ઠીઓ ભરી ભરીને
અબીલગુલાલ
ઉડાડતો આવે છે!
રોજ સવારે!
હર કદમ પર એ
વધતો રહે છે આગળ ને આગળ.
કોઈ અટકાવી શકતું નથી એને.
પાછળ ફરીને
એ કદી જોતો જ નથી અતીતને,
નથી કરતો એ કદી ભવિષ્યની ચિંતા,
હર હંમેશ રહે છે વર્તમાનમાં ખુશ...
પોતાની ધૂનમાં,
પોતાની મસ્તીમાં
મૃદંગ બજાવતો જાય છે.
ગીત ગાતો જાય છે.
કોઈ સાંભળે કે ન સાંભળે
એ વાતની એને કશી પડી જ નથી.
માર્ગમાં એના
ક્યાંક વેરાયેલાં હોય છે
મઘમઘતાં ફૂલ,
તો ક્યાંક કંટક.
ક્યાંક હસતાં ઝરણાં
તો વળી ક્યાંક પહાડો ઉત્તુંગ!
અવરોધોની વાડ પર વાડ એ
ઠેકતો જાય છે.
કંઈક રચતો જાય છે.
કંઈક ભૂંસતો જાય છે.
ક્યાંક કોમળમાં કોમળ,
ક્યાંક પ્રખર બનતો જાય છે.
યુગો પછી હું આવીશ ક્યારેક
એવું આપતો નથી એ કદી આશ્વાસન.
હરરોજ
સાંજે
ક્ષણેક્ષણની સંભાવનાઓના એ
રૂપ સોનેરી
વેરતો જાય છે...!
શબ્દસૃષ્ટિ, ઑક્ટો., ૯