અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ઘટમાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઘટમાં

મકરન્દ દવે

સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,
         બાવાજી, મુંને ચડે સમુંદર લ્હેરું.

ચકર ચકર વંટોળ ચગ્યો જી
         ઈ તો ચગ્યો ગગનગઢ ઘેરી,
નવલખ તારા ડૂબ્યા ડમરિયે ને
         તરી રહી એક ડેરી,
ઓ હો સાંયાજી, મારું હેત વધે ને માંહી
                           સુંદર મૂરતિ હેરું.

ખોબો ધૂળનો કૂબો બણાયો ને
         બૌત હુવા ખુશ બંદા,
એક ધણીએ લગાયા ધક્કા
         ચૂર ચૂર મકરન્દા,
ઓહો સાંયાજી, મારા કણ કણ કારી
         દમ દમ વરસી મ્હેરું.

અકલ કલા મારે હિરદે ઊગી
         અચરત રોજ અપારા,
મુઠ્ઠીભર રજકણમાં રમતા
         અલખ અલક લખતારા.
ઓહો સાંયાજી, મારે પગલે પગલે
         પિયનું હવે પગેરું.

(અમલપિયાલી, પૃ. ૧૨૧)