અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/સૌન્દર્યનું ગાણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સૌન્દર્યનું ગાણું

મકરન્દ દવે


સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો
જ્યારે પડે ઘા આકરા.
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી રહે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે
લીલવરણાં, ડોલતાં, હસતાં, કૂંણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો….

એકદા જેને પ્રભુ !
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતાં
એના પ્રકાશિત પ્રાણનું,
એના હુલાસિત ગાનનું,
એના સુવાસિત દાનનું ગાણું મુખે મારે હજો !

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો !
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો !
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.




મકરન્દ દવે • સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ