અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ ન. દ્વિવેદી/પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય?

પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય?

મણિલાલ ન. દ્વિવેદી

પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય?
ઘડી ઘડી ચમકી ચિત્ત ઉભરાય,
અંગ તવ માર્ગ-ગમન ન ખમાય;
શ્રમિત વળી લુલિત મુગ્ધ દેખાય;
આલિંગન અશિથિલથી ચાપું તે ધરી પ્રેમ,
ચુંથાયેલી મૃણાલી સરખાં દુર્બળ દીસે તેમ,
એમ મમ ઉર ધરી જ્યાં ઊંઘાય-પ્રિયે રે.


ગિરિથી ઝમઝમ ઝરણો વહી જાય
તટે તરુવર પવને લ્હેંકાય,
સેવતા વૈખાનસ ઋષિ છાંય,
અતિથિપૂજન જ્યાં શ્રેષ્ઠ ગણાય,
મુઠીભર સામો રાંધી ખાય,
છતે એમ શાન્ત ગૃહસ્થ મનાય,

એવાં તરુવર પૂર્ણ આ ઉપવન જો તપ કાજ,
પરબ્રહ્મ પરમાર્થ ઉપાસે ઋષિમુનિ સિદ્ધ સમાજ,
આજ તે નજરે ફરી દેખાય. —પ્રિયે રે.


સુતનુ ગિરિવર તે ઉપર સદાય,
ઉઠાવે લક્ષ્મણ મરજી સદાય,
સ્વસ્થ તે થકી દિન નિકળી જાય,
સ્મરણ શું તેનું ન તુજને થાય?
અથવા શોભિત તીર જે ગોદાવરીના રમ્ય;
તે પર આપણું ફરવું હરવું સ્વચ્છન્દે સુખ ગમ્ય,
ધન્ય! શું તુજને સ્મરણ ન થાય? — પ્રિયે રે.

અડોઅડ કપોલ લાગી રહેલ,
મન્દ અતિ મન્દ મન્દ ધુની હેલ;
નહિ પૂર્વાપર કાંઈ ગણેલ,
મુખે કાંઈ એમ લવતાં ગેલ;
આલિંગન અશિથિલથી લપટી કર અક્કેક,
રમતગમતમાં એમ ન જાણ્યો પ્રહર જતો નિશ એક,
છેક નિશ થાકી વિરામી જાય.—પ્રિયે રે.