અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/પોળોના પહાડોમાં (સાત)
Jump to navigation
Jump to search
[સોનેટ-૭]
પોળોના પહાડોમાં (સાત)
મણિલાલ હ. પટેલ
છટાઓ શી શી છે! નવ નવલ રંગોની વસતિ
અહીં ગાઢો લીલો, મરુણ, વળી ત્યાં કથ્થઈ અતિ,
ફૂલો પીળાં, રાતાં, કૂંપળ ફૂટતી વિસ્મિત દૃગે,
ઊભાં વૃક્ષો કાળાં, થડ અવરના જામલી જગે.
જળે ઝાંખા રંગો, બળ બળ થતો પીત તડકો
પણે ઊંડે લીલો કલરવ અહીં લાલ ભડકો,
દીસે ભૂરાં નીલાં શિખર, નભ ને સ્રોવરજળ;
દિશાનાં ચિત્રો તો સતત બદલાતાં ઝળહળ.
બધાં ખંડેરોયે હરિત ભૂખરું ઘાસ, તરુઓ
નથી ચૉકી કોઈ, ધન નથી, નથી નાગ, ચરુઓ.
હજારો વર્ષોનાં ગગન અડતાં ઝાડ ઝૂલતાં
પુરાણી વાવોનાં હવડ જળ અંધાર ઝીલતાં...
કશા સંકેતોથી જળ, તરુ, વનો સાદ કરતાં
મને મારું સાચ્ચું, ઘર મળી ગયું રાન ફરતાં.
(સાતમી ઋતુ, ૧૯૮૮, પૃ. ૭૫)