અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુકર રાંદેરિયા/મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો

મધુકર રાંદેરિયા

લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈ તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?

મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઇલાજો શા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મ્હોબતનો જનાજો શા માટે?

આજ સુરાલયના દસ્તૂર કૈં બદલાયા છે શું સાકી?
‘પી-પી’ કહેનારા બોલે છે આ ‘પાજો-પાજો’ શા માટે?

નમન નમનમાં હોયે છે કંઈ વધતો ઓછો ફેર નકી,
ન્હૈ તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સ્હેજ ઉંમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?

આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે?