અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/ચિ. ઉષાબહેનને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચિ. ઉષાબહેનને

મનસુખલાલ ઝવેરી

હજી કાલે જ તો પ્હેલું તારું રુદન સાંભળી
અધીર મુજ હૈયું આ ઊઠ્યું રણઝણી હતું;
મીઠી વાત્સલ્યની ફૂટી સરવાણી તહીંથી, ને
મને જીવનથી મારી લાધી તેમાં કૃતાર્થતા.

ને આજે તો સજીને તું લગ્નનાં વસ્ત્ર મંગલ,
તારા સંસારને ઊભી બેટા! પુનિત આંગણે!
વર્ષો આ જોતજોતાંમાં વહી આમ ગયાં અને
વેળા આવી રીહ ઊભી આજે તારી વિદાયની!

ન કે એ કલ્પી ન્હોતી કે સાંભળી ન કદી હતી;
કે ન મારા જ સંસારે આવી એ વસમી ઘડી.
જાણું છું, સર્વ સંસારીતણે ભાગ્ય લખી જ આ,
ને મેંયે કંઈ વર્ષોથી હતી યોજી વિચારી આ;
તોયે વાસ્તવનું જ્યારે ધરતી રૂપ કલ્પના,
ત્યારે કલ્પાય ના તેવી ઉભરાય ઉરે વ્યથા.

મારા સંસારને જેણે કૂજી કલ્લોલતો કર્યો;
ને જેણે નિજ હાસ્યેથી એને રસથી સંભર્યો,
દીક્ષા વાત્સલ્યની જેણે દીધી પ્રથમ જીવને,
પ્રાણનો પ્રાણ ને દેહ દેહકેરો તું મારી તે
બસ, આજ થશે બેટા! પરાઈ જ સદા હવે?

અહો સંસારની લીલા! પાળી પોષી ઉછેરિયાં
પંખી તે ફૂટતાં પાંખ, ઊડી આમ જ શું જતાં
રચવા પોતપોતાના નીડો જગની કુંજમાં?
અસ્તુ! ઊડો ભલે, બેટા? વિશ્વનો ઉન્નતિક્રમ
રચે જે જે મહાધર્મો માનવીની સમક્ષ તે
સ્વાર્થે કે સ્નેહદૌર્બલ્યે ઘટે કદી ન રોધવા.

शिवास्ते सन्तु पन्थानः, વાયુ શાન્તાનુકૂલ હો!
રસની તવ સંસારે કશીયે ન મણા હજો!
પરાયાંને બનાવી જે પોતીકાં ક્ષણમાં લિયે
ને સર્વત્ર રહે સીંચી પ્રાણ ને પમરાટ જે,
તને પુત્રિ! વરો એવું સાચું દાક્ષિણ્ય સ્નેહનું!
ઉત્તરોત્તર સૌન્દર્ય હો રસ્યું વિશ્વ તાહરું!

આપણા કુલના દેવ, દાદાજી, ગુરુદેવ ને
બા, ભાઈ: સર્વ સ્વર્ગથી વર્ષી વર્ષી શુભાશિષો
શ્રેય ને પ્રેયના સાધો તારા પુણ્ય પ્રસાદને!
તારા જીવનની વીણા બજો આનન્દસ્પન્દને!
ને તારા સુખમાં સાચું અમારું સુખ સૌ વસો!
અમારા રંક સંસારે સાચી સમૃદ્ધિ એ હજો!

૨૪-૧૧-૧૯૬૩