અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/શિખરું ઊંચાં
Jump to navigation
Jump to search
શિખરું ઊંચાં
મનસુખલાલ ઝવેરી
શિખરું ઊંચાં ને મારગ આકરા.
નહિ કોઈ સાથ કે સંગાથ,
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ
પંડને ખુએ તે પ્રીતમ પામતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
(કાવ્યસુષમા, ૧૯૫૯, સંપા. અનંતરાય રાવળ અને બીજા, પૃ. ૧૨૯)