અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/કૂંચીનો ઝૂડો જી રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૂંચીનો ઝૂડો જી રે

મનોહર ત્રિવેદી

મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે
અરતો ડાબે કાંડે
ફરતો જમણે કાંડે
મારી નણદલનો વીર મારો ચૂડો જી રે
ઊકલ્યાં વાસીદાં: બારેવો ભરવા બેઠી
ઘડી પરસેવા-સોતી આછરવા બેઠી
વાયરે ફૉરી કીધી
સાયબે ઓરી લીધી
એક અળવીતરો: બીજો આફૂડો જી રે

મેં તો અંબોડે ફૂલ જરી મૂક્યું હતું
ત્યાં તો ભીને તેવાન આભ ઝૂક્યું હતું
અગરીક અડખે સૂંઘે
લગરીક પડકે સૂંઘે
બળ્યો, મીઠપનો ડંખે મધપૂડો જી રે

મારા કમખાની વાડીયું લીલીકુંજાર
સાખ વનપક ને એન વેઠાય નહીં ભાર
અરધો આ પા ઊડે
પરધો તે પા ઊડે

ઊડતો આંબામાં અટવાયો સૂડો જી રે
મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે