અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/તડકાને તો એમ કે–

તડકાને તો એમ કે

મનોહર ત્રિવેદી


તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું...
છાપરે બેસી એ...યને એકલરામ આ હોલો ગાયઃ
બાજુમાં સામટું ધગી જાય મોભારું...

ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર–
નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તૉર?
સાંજ લગી નૈં ભીંતનો છાંયો બીકનો માર્યો,
નેજવેથી મોં કાઢશે બ્હારું...

ડાળમાં લપાય પોપટ-સૂડા પળ રહે ના ચૂપ
ટીપે-ટીપે પાંદડાં ચૂવે સૂરના મીઠા કૂપ
ત્યાં જ ગોળામાં ઊઠતી છાલકઃ પાણિયારું ભીંજાય,
ગુંજે જ્યાં ગીત બુઝારું...

તડકાને તો એમ કે જાણે સૂરજસોતું આભ ઉતારું...


(5-5-1999, ચૂંટેલી કવિતાઃ મનોહર ત્રિવેદી)