અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/મોસમનો પહેલો વરસાદ
Jump to navigation
Jump to search
મોસમનો પહેલો વરસાદ
મનોહર ત્રિવેદી
મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય! —
આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય! —
હેય હેય! નેવાંનાં પાણી-સમેત
વહે અંધારું રે ઝાકમઝોળ
નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ
ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય: ભીનો
ઘરને ઉજાસ જડ્યો, હેય હેય! —
હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
લીલાં પગલાંની જોઉં ભાત
પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
એની ઘૂઘરીઓ તૂટ્યા-ની વાત
જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય! —
(છુટ્ટી મૂકી વીજ, પૃ. ૨૯)