અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/હે પ્રિયે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હે પ્રિયે...

મફત ઓઝા

તને ઝંખતી ક્ષિતિજો
આ અરવલ્લીની હારમાળાના પડછાયામાં આવી ચૂપચાપ બેસી ગઈ છે.
વૃક્ષો એમના જ પડછાયા ઓઢી તારા આગમનની પ્રતીક્ષા કરે છે.
દૂર દૂર એક વાદળી ચડે છે ને વેરાઈ જાય છે મારા મન જેવી,
પછી વરસાદ ક્યાંથી વરસે તારા આવવાના અષાઢ જેવો?

આડીઅવળી ફંટાતી કેડીઓ
ભૂલી પડેલી વન્ય કન્યાઓ જેવી
ટેકરીઓ ચડે છે ને ઊતરે છે કોતરોમાં,
તારા પાછા વળવાના પગલે પગલે હજીયે આછું લીલું ઘાસ
કેડીઓને તારી ઓળખ આપે છે.
તને હજીયે ના ઓળખી શકેલાં મારા શ્વાસનાં પતંગિયાં
ઊડ્યા કરે છે હવામાં ઓગળતાં પળેપળ —

તને શોધવા નીકળેલા અશ્વો
થાકીને ઊભા છે ત્રણ પગે ફીણ ફીણ થતાં;
ક્ષિતિજો એમને પલાણવા ઊંચા શ્વાસે ઊભી છે.
ક્યાં છે તારા હોવાપણાની શક્યતા આ પ્રદેશમાં?
વાયકા એવી વહી છે કે —

દેશવટે ચડેલો રાજકુમાર કાળા ઘોડે ને કાળાં લૂગડે
તને લઈ આકાશમાર્ગે ઊડતો હતો તે ફૂલોએ એમની સગી
આંખે જોયો હતો.
દક્ષિણથી ઉત્તર તરફ વહેતા આકાશમાં
તને ઊડી આવતાં પંખીઓએ જોઈ હતી ને ખેરવ્યાં હતાં પીંછાં.
કદાચ તને આપેલું પીંછું યાદ આવે ને તું પાછી વળી જાય...
તું પાછી ના વળી તો હવાઓ આખી રાત રડી હતી
ને ઉજાગરા કર્યા હતા આખા આકાશે!

કદીક તો તું પાછી વળીશ તારો મખમલી ભૂતકાળ ઓઢી–
સંભવ છે કે તારા આગમન સુધી
ક્ષિતિજો ચૂપચાપ બેસી રહેશે અરવલ્લીની હારમાળાઓ શોધી–

હે પ્રિય,
તારા આગમનની જાણ થશે — આ થીજી ગયેલી ક્ષણોને...?!
નવગુજરાત પ્રવાસીઃ દીપોત્સવી, ૧૭૮



આસ્વાદ: મૃગજળનું વસ્ત્ર વણી આપનાર કવિ – રાધેશ્યામ શર્મા

Poetry is the result of a struggle in the poet’s mind between something he wants to say and the medium in which he is trying to say it.

– GERALD BRENAN (‘Thoughts in a Dry Season 1978)

બ્રિટિશ લેખક અને ગુજરાતના એક કવિ મફત ઓઝાને શો સંબંધ? વ્યક્તિ લેખે કશો સંબંધ નહીં, શૂન્ય સંબંધ. પણ કવિ–કથયિતવ્ય માધ્યમ સંદર્ભે અને ખાસ તો અહીં પ્રસ્તુત કૃતિના અનુલક્ષમાં દૂરનો પણ પ્રતીતિકર સંબંધ છે. કૃતિના ધ્વનિમાં, શબ્દનાદમાં, રચનાની નખશિખ ગતિરીતિમાં એક ઉત્કટ ઝંખના છે, એક સંઘર્ષ છે, એક વ્યાપક સમસ્યા છે જે ગદ્યરચનાના માધ્યમમાં વ્યક્ત થઈ છે.

કવિનું કથન નદીકિનારે નાગાંપૂગાં બાળકના અનુસંગે પ્રથમ સ્તબકમાં અને અંત્ય સ્તબકમાં અનુસ્મૃત થઈ આવ્યું છે.

શીર્ષક ‘હજીયે એ ઝંખે છે’માંનો ‘એ પેલો નાગોપૂગો બાળ છે. કાવ્યારંભે જે ‘નાગુંપૂગું બાળક’ છે તે કાવ્યાંતે એમનું એમ નદીતટે નાગુંપૂગું જ ઊભું છે. પ્રથમ સ્તબકની ત્રણ પંક્તિમાં કૃતિનાયક નાગોપૂગો બાળક અંજલિમાં જળ પીવા જાય છે તો ખરો પણ એના ખોબામાં કશું નથી આવતું, કેમ કે ત્યાં તો, ‘છલોછલ છલકે છે મૃગજળ.’

જળ સાથે જ સંકળાયેલી છલોછલ છલકવાની ઘટનાને કર્તાએ અહીં મિથ્યા મૃગજળ સાથે સાંકળીને એક કૉન્ટ્રાસ્ટ’ રચવા સાથે પરિસ્થિતિની ‘ટ્રૅજિક સેન્સ’ પણ મૂર્ત કરી દીધી. કૃતિ પૂરી થતાં પણ પૂર્વોક્ત, પ્રારંભોક્તિ સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો: ‘હજીયે એ નદી કિનારે નાગુંપૂગું ઊભું છે એ બાળ – ઝાકળને ઓઢી ઊડવા એના દેશમાં.

આરંભે છલકેલું મૃગજળ જ રચનાન્તે ઝાકળનું જાણે ઓઢણું હોય એમ એને ઓઢી દૂરના એના દેશમાં ઊડી જવા નાગુંપૂગું બાળક ઉત્સુક છે. મૃગજળ તો હોતું જ નથી અને એના બંધુ સમું ઝાકળ હોય તોયે શું, ઝાકળને ઊડી જવામાં વાર શી! અહીં ‘ઊડવા’ ક્રિયાપદનો ઉપયોગ બેધારો છે. બાળ અને ઝાકળ બંનેને સહ–ઉડ્ડયન કરવાનું આછેરું સૂચન પણ પેલા કરુણનો જ સંકેત આપે છે.

નાગુંપૂગું બાળક તો એક પ્રતીક છે. અભાવગ્રસ્ત મનુષ્યોના વર્તમાન અને ભવિષ્યને સંકલિત કરતું પ્રતીક એને કપડાં નથી, તો રોટી અને મકાનનાં તો વખા અને ફાંફાં જ હોય ને. મૃગજળ કે ઝાકળની ભ્રાંતિ તેમજ ક્ષણભંગુરતા જ શૈશવે પરિધાન કરવાની રહી છે. ‘નાગું પૂગું બાળક’ – એટલું જ દર્શાવીને કર્તાએ પોતાનું કામ કાઢી લીધું છે. હવે બીજા સ્તબકમાં પ્રવેશીએ તો પદાવલિની સંરચના ધ્યાનાર્હ વળાંક લે છે:

એનો ચહેરો અદૃશ્ય થાય છે ખાલી ખોબામાં વળાંક લેતી શેરીને નાકેના ચબૂતરામાં

પ્રથમ સ્તબક ‘મૃગજળ’ શબ્દ આગળ પૂરો થયા પછી આવતી પંક્તિમાં નાગાંપૂગાં, વસ્ત્રવિહીન બાળકનો ‘ચહેરો અદૃશ્ય થાય છે.’

સિનેમાની કળામાં ‘ફેડ આઉટ’ કહેવાય એવી પંક્તિ-રચના પછીની સંગ્રથન કલ્પન (montage – image) શી પંક્તિ ખાલી ખોબામાં વળાંક લેતી શેરી નાકાના ચબૂતરાને પ્રદર્શિત કરે છે. નોંધવા જેવું તો આ છે. ચહેરો અદૃશ્ય, પણ ખાલી ખોબામાં…ચબૂતરો! અહીં ચબૂતરો પણ ‘નાગોપૂગો’, અભાવત્રસ્ત છે કેમ કે અહીં પંખી નહીં પણ એમનાં ખરેલાં પીંછાં ચણકણને બદલે કાળની વેરાયેલી ક્ષણોને ચણે છે!

અહીં સુધી બધું બરાબર ચાલતું હતું પણ કર્તા એમના કમિટમેન્ટના કારણે, કૃતિની કન્ટેન્ટને જ ધડાક દઈ પ્રશ્ન કરી છતા થાય છે:

એથી ઓછું પેટ ભરાય છે ઊડી ગયેલી પાંખોનું?

પ્રથમ સ્તબકમાં જળના વિરોધમાં તરસની વાત હતી, નાગાંપૂગાં શિશુ સાથે ‘કપડાં’ના અભાવની વિગત હતી અને પછી પેટ ભરાવાની ‘રોટી’ની સમસ્યા વણી આપી છે. પણ બીજા સ્તબકમાં પ્રશ્નાર્થ સાથે ‘ઊડી ગયેલી પાંખો’ના ઉલ્લેખથી પેટ ભરવા–ભરાવાની સમસ્યાને વ્યતીત સમયનું એક પરિમાણ પણ મળે છે. પંખીને સ્થાને ‘ઊડી ગયેલી પાંખો’ દ્વારા ઊણા ઉંદરે મરણશરણ થયેલા જીવોની આરતને પ્રશ્નથી ધાર કઢાઈ છે.

રચનાનો આરંભ તરસથી થયો હતો એનું હજુ સન્ધાન ત્રીજા સ્તબકમાં જડશે. અહીં ખોબો નથી પણ ‘ઠીબ’ છે. ઉપમા–નાવીન્ય છે. ‘પાદર ઠીબ જેવડું’માં વડના બીજને સીંચનાર્થે અ–નિવાર્ય એવી આર્ત અરજ ‘મને મારું તળાવ પાછું આપો’માં પાદર–વડ–તળાવના ‘નોસ્ટાલ્જિયા’નો પણ ગર્ભિત સંકેત છે.

હવે ‘કૉન્ટ્રાસ્ટ’ની તીવ્રતા દેખો. ‘તળાવ’ની સામે બાળકની ‘ટગર ટગર’ નજર આગળ શહેરની બદબૂ ભરેલી તૂટેલી ગટર આવતાં જ પેલું નિર્વસ્ત્ર બાળક ‘નાકને ઊખેડી ફેંદી દે છે!’

દુર્ગંધની તીવ્રતા દર્શાવવા પોતાની ઘ્રાણેન્દ્રિયને જ ઉખેડી ઊતરડી દેવાની ગટરમાત્ર તરફ નરપત વ્યક્ત કરતી આવી પ્રભાવક પંક્તિ ગુજરાતી ગિરામાં ભાગ્યે જ જડે!

અગાઉ ‘શેરીનું નાકું’ આવ્યું એનું અનુસંધાન ચોથા સ્તબકમાં કેડીના ઘાસ પર રમતી ‘કૂણી ગલીઓ’ સાથે છે. અહીં ‘પહેલા વરસાદ’ની વિગત છે તે પ્રથમ સ્તબકના મૃગજળના વિરોધે નોંધવા સરીખી છે. તો

ગામ વિરુદ્ધ નગરનો વિરોધ, બાળકના હાથને ‘મિલની ચીમની’ જેમ ભીખ માગતો દેખાડી, ‘બાચકું ધુમાડો’ પામી છેવટે ‘એ હાથ કપાયેલી વૃક્ષની ડાળ જેવો લટકી પડે છે!’ નદીકિનારે ખાલી ખોબા આગળ મૃગજળની છલોછલ છલકતી છલના હતી જ્યારે અહીં ભીખમાં મિલનો ધુમાડો પામી, કપાયેલી ડાળ જેવો હાથ લટકી પડે છે!

પાંચમા સ્તબકે, મફત ઓઝામાં નિરંજન ભગતનું સિમેન્ટ–કૉંક્રીટનું જંગલ ઝૂકી જાય છે જરૂર, પણ નળ–બાહુકના ઉલ્લેખથી પૌરાણિક અધ્યાસ(mythical association)નો અધિક લાભ લૂંટવાની સાચી દાનત દર્શાવે.

પેલો નાગોપૂગો બાળ, નગરમધ્યે મહાભારતના નળરાજાના વેશમુનઃ દેખા દે છે. અહીં કર્તાની કલ્પનાને દાદ દેવી પડે. શહેરની સડકો ડામરલીંપી હોય. પસાર થનાર ગ્રામબાળ નળને કાળોભમ્મર બાહુક બનાવીને જ જંપે! નગરસભ્યતા તરફ કટાક્ષ વેર્યા વગર કર્તા સચોટ સંક્રમણ સાધી શક્યા છે. (માત્ર ‘કોઈ સડક’ પ્રયોગ ટાળવા જેવો હતો. કોઈ એક સડક નહીં, નગરની બધી સડકોને સ્પર્શ સૌ કોઈને બાહુક બનાવવાની ક્ષમતા ધરાવે છે.) છેલ્લે દમયંતીનું અને પોતાનું ‘વસ્ત્ર’ ફાડી નીકળેલા નળના સાહચર્ય સાથે પાંચમા સ્તબકમાં ‘નિર્વસ્ત્ર’ બાહુક નળ–બાળની શોધમાં આછેરી આશ વ્યક્ત થઈ છે. મૃગજળને સ્થાને ઝરણાં અને સૂકાંખખ વૃક્ષોને કૂંપળ ફૂટે તો કેવું સારું! પણ પ્રશ્નોનો પ્રશ્ન આ છે: ‘પણ ક્યાં છે એ વસ્ત્ર!’ વસ્ત્ર પણ જાણે મૃગજળ બની રહ્યું છે. જ્યાંથી શરૂ થયું હતું ત્યાં જ વર્તુળ પૂરું થાય છે. હજીયે એ નદીકિનારે નાગુંપૂગું ઊભું છે એ બાળ–ઝાકળને ઓઢી ઊડવા એ જ દેશમાં’…ભંગુરઝાકળની પિછોડી ઓઢીને પણ એના દેશ (કયા દેશ ભણી? વતન ભણી?!) ભણી બાળક ઊડવા ઉત્સુક છે મગર વો દિન કહાં? કબ?

મફતભાઈએ એમની માનવીય નિસ્બતને કાવ્યમાં સબળપણે ઢાળી આપી છે. (રચનાને રસ્તે)