અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર ગોહિલ/શકાશે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શકાશે?

મહેન્દ્ર ગોહિલ

સમયને શું બીબામાં ઢાળી શકાશે?
ને સિક્કાની માફક ઉછાળી શકાશે?

સતત રાતભર વેરાતું જાય ઝાકળ,
ન સૂરજને તોયે પલાળી શકાશે.

સરી જાય રેતીની માફક હમેશાં,
શબદનાં હરણ કેમ પાળી શકાશે?

કે સૂરજ નથી આંખમાં ઊગવાનો,
તો અંધારને કેમ ભાળી શકાશે?

હથેળીમાં સંભવની રેખા સરે છે,
ક્ષણો કેમ સંભવતી ટાળી શકાશે?
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૧૦૦)