અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ જોષી/તને વહાલો વરસાદ કે હું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તને વહાલો વરસાદ કે હું?

મૂકેશ જોષી

મને સાચ્ચો જવાબ દઈશ તું?
તને વ્હાલો વરસાદ કે હું?

તને વરસાદી વાદળના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા?
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા?
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે
કે મારી આ કોયલનું કૂ? તને.

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું?
હું ને આ વાદળ બે ઊભાં જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું?
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું?... તને.

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં?
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છું... તને.