અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મેઘનાદ હ. ભટ્ટ /‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’
મેઘનાદ હ. ભટ્ટ
અંધેરીથી ચર્ચગેટ સુધી
જીવવાનો પાસ કઢાવી લીધો છે.
હવે રિટર્ન ટિકિટની જરૂર નથી.
હેમ્લેટની જેમ
‘ટુ બી ઑર નૉટ ટુ બી’-નો પ્રાણપ્રશ્ન પણ
હવે, મૂંઝવે એમ નથી.
ઘેટાં ને બકરાંય જે સ્થિતિમાં
ગોવાળ ને રખેવાળ સામે શિંગડાં ઉગામે
એવી સ્થિતિમાંય આપણારામ તો
પીઠ ઉપરનું ઊન નિરાંતે કપાવવા દે છે.
બીજો વિકલ્પ પણ ક્યાં છે આપણારામ પાસે?
અંધેરીથી ચર્ચગેટ સુધીનાં બધાં સ્ટેશનો
મોઢે થઈ ગયાં છે આપણારામને.
વૈશાખી વંટોળ હો યા ન હો,
આપણારામે તો સુકાયેલાં પાંદડાંની જેમ
ફેરફુદરડી ફર્યે જ જવાની છે.
લાઇટ કે પંખાનીય શી જરૂર છે?
પાપી પેટિયાની ટાંટિયાતોડ માટે પરસેવો તો પાડવો જ પડે ને, ભાઈ!
ઑફિસના ટાઇપરાઇટર પર એકધારો
શુષ્ક આંગળાંનો સ્પર્શ થયા કરે છે.
પ્રિન્ટિન્ગ પ્રેસમાંથી નીકળતા છાપાની જેમ
પત્રો અવિરત ટાઇપ થયા કરે છે.
બધું બરોબર જચી ગયું છે આપણારામને.
દરેક પત્રને છેડે આવતું
‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’
આપણારામનું જ એક અવિભાજ્ય અંગ બની ગયું છે જાણે
અને એથી
માત્ર એક જ વિનંતી છે આપણારામની
એનાં સ્વજનોને :
એના મૃત્યુ બાદ ‘હે રામ’ ન બોલશો,
બોલજો માત્ર
‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી.’
(છીપલાં, ૧૯૮૦, પૃ. ૪૯-૫૦)