અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/ચેત મછંદર ગોરખ આયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચેત મછંદર ગોરખ આયા

યજ્ઞેશ દવે

વુહાનમાંથી વામન રૂપે નીકળેલા માયાવા રાની પશુએ
જોતજોતાંમાં વિરાટ થઈ ઢાંકી દીધી પૃથ્વીને
ઊભરાતી બજારો ધમધમતાં કારખાનાંઓ
ઉન્માદે ચડેલાં સ્ટેડિયમો ખીચોખીચ સભાઓ કથા પંડાલો
હેલે ચડેલાં જાનૈયાંઓ મન ભરીને માણેલા મેળાઓ
હવે
એક હતો રાજા
અને એક હતી રાણી
જેવી વારતા
ડાઉનટાઉન સ્ક્વેર આર્કેટ પ્લાઝા નગર નગરના ચાચર ચોકો
અચાનક ભૂત ભેંકાર
જીવતાં ખંડેર
ચોતરફ લંબાતા પડછાયાઓની ભૂતાવળ
થંભી ગયાં છે ચક્રો
અવાવરું છે થિયેટરો બાર રેસ્ટોરંટો ઑફિસો
બધે હવે ખોળાના ખૂંદનારની રાહ જોતી ધૂળભરી ખુરશીઓ
ક્યાંક
વારેવારે રણકે છે ચર્ચબેલ
તો ક્યાંક
મંદિરના ઘંટ પર શાંતિથી સૂતું છે એક પતંગિયું.

ઉપર ઝળૂંબેલું
બધે ફેલાયેલું
અંદર ધરબાયેલું છે એ માયાવી રાની પશુ
એકાએક વધ્યા તેના તીક્ષ્ણ દંત નખ નહોર
બચાડી પૃથ્વી તેના ક્રૂર પંજામાં શિકાર.
જો કે આ વાતનેય હવે તો થયા છે મહિના
હવે તો કોઠે પડી ગયું છે બધું.
ઊભરાતી હૉસ્પિટલો ઊભરાતાં કબ્રસ્તાનો સ્મશાનોની હવે નથી કોઈ નવાઈ.
જાણે ભજવાય છે કોઈ ભવાઈ.

મરણ છે એ કોઈનું મારે શું?
ઉંબરે ક્યાં આવ્યું છે હજી
ફરી રહ્યાં છે બધાં બેફિકર.
પણ
ચાલુ છે એનો ગેરિલા આતંક
ક્યારે ક્યાં મારશે છાપો?
કોની પીઠ પર હશે થપ્પો?
‘મૌત કા એક દિન મુઅય્યન હૈ
નીંદ ક્યું રાત ભર નહીં આતી?’
લોકોની સલામી ઝીલતાં જનાજા કે ઠાઠડીના કોઈ ઠાઠ વગર
મમીની જેમ પૅક કરેલી લાશો
કોઈ વળાવિયા વગર ચાલી જાય છે ક્યાંક ચૂપચાપ.

હમણાં તો કશું જ ન હતું
તમે જ કહો હતું કશું આવું?
આ વાસ્તવ છે કે ભ્રાંતિ
લીલા છે કે માયા?
પાસે પડેલા મોબાઇલમાં હજી હમણાં જ તો સાંભળ્યાં હતાં
‘રંગ ના ડારો શામજી’ કહી સોહિણીના સ્વરોનાં છાંટણાં છાંટી
ફાગ ખેલતાં કુમાર ગાંધર્વ
અને કિશોરી આમોનકરનો ઊર્ધ્વગામી ભૂપ
અને મારવાના રિષભ પર ઘડી બે ઘડી ઠર્યો હતો જીવ.
અને અચાનક ઉંબરે અહાલેક
‘ચેત મછંદર ગોરખ આયા’
કોણ મછંદર કોણ ગોરખ?
ચેતું તો ચેતું કોનાથી?

ત્યાં તો રાતોરાત જ માણસ હોવાના ગુના સબબ
પણ કોઈ કેસ કર્યા વગર રાજદ્વારી કેદીની જેમ
પૂરી દે છે મને ઘરકેદમાં
જડી દે છે સજ્જડ
મારી જ જાત સાથે – જાણે અમે સિયામિઝ ટ્વીન્સ!
આ આ આની સાથે તે જિંદગી કેમ જાય?
પણ હવે અમે જઈએ તો ક્યાં જંઈ?
ડુંગરા હોય તો વટાવિયે દરિયાની કરી ખેડ
આ સહરા કેમ વટાવિયે બોલો હે મહાકાલ
ન ખડગ પરશુ કે ગદા ચક્ર
ન ધનુષ ન બાણ
તોય તેની આણ!
એણે તો પોતે જ માથે મુકુટ મૂકી કર્યો છે પોતાનો રાજ્યાભિષેક.

નીકળી છે દિગ્વિજયી સવારી
વામનની જેમ ત્રણ જ પગલાંમાં તો પગ તળે છે સાતેય ખંડ.
હવાને પણ પ્રવેશ ન હોય તેવા અભેદ્ય કિલ્લામાં પણ
તું આવી ને આવીને ભરખી જાય છે
ફળમાં રહેલા કીડા રૂપે સંતાયેલા તક્ષકની જેમ.

જોઉં છું
વેઠની ગાંસડી ખભે ઉપાડી ચાલ્યું જાય છે લોક
કોઈની આંગળીએ છોરું તો કોઈની કેડે
હજારો કિ.મી.ની સફરે ચાલી નીકળી છે લંઘાર કીડી વેગે
સુરત થાણા દિલ્હી બેંગ્લોરથી.
સત્તાધીશોને મન તો ગંધાતી હઘાર
ચાલી નીકળી છે આ લંઘાર.
ધરતી માતા નથી આજે
અને પિતા નથી આકાશ
વતનની જ એક બચી છે આશ.
પણ કયું વતન?
ઘરનો ઉંબરો વળોટ્યો ત્યારથી જ જલાવતનં.
ઓગળેલા ડામરથી દાઝતા પગ
માથે મૂકીને ચાલી શકાતું હોત તો?
એવું વિચારતી, માની આંગળીએ લગભગ દોડતી
આ છ વરસની છોકરી
એ વાસ્તવ
કે હમણાં જ સાંભળેલી મહેંદી હસનની ઘેરી સુરીલી ગઝલ
‘અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે
જિસ તરહ સુખે હુએ ફૂલ કિતાબોં મેં મિલે’

આખા યુરોપમાંથી હજારો કિ.મી. દૂર ઓસવિચમાં લઈ જવાતા
ભારખાનાના ઢોરડબ્બામાં ઠાંસીઠાંસીને ભરેલા
બાપડા યહૂદીઓની જેમ જ
મુંબઈથી ગોરખપુર જવા નીકળેલા
જાતે જ સિમેન્ટ મિક્સર ડ્રમમાં ઠાંસોઠાંસ ભરાયેલા
ગૂંગળાતા
ગંધાતા
ઇન્દોર પોલીસને હાથ પકડાયેલા
ફરી અડધે રસ્તે રઝળેલા
આ અઢાર મજૂરો
એ શું સ્વપ્ન?

ક્વોરેન્ટાઇન કેદનો કંટાળો કાઢવા
વાંચું છું વૉટ્‌સઍપ પર ફરતા જાતજાતના કોરોના જોક્સ
જોઉં છું કોરોના કાર્ટૂન
હજી તો સહેજ મરક મરક મરકું
ત્યાં તો દેખાય છે કાળમુખા કોરોનાની કરડી આંખ
વંકાઈ જાય છે હોઠની રેખ
હું તો જાણે એક માખ.

જાણે ચપટીમાં ચોળી નાખશે.
બોલ બોલ
તું શુભંકરી
રે ભયંકરી
કે કોઈ વ્યંતરદેવી
તું બોલ
તું બોલ તો રાવળદેવને બોલાવી ડાકલાં વગાડાવું
ભૂવો ધુણાવું
ગૂગળ લોબાનનો ધૂપ આપું
કે
મરચીની ધુમાડી આપું
બોલ તું બોલ
બોલ તો ખરી
તને કૂકડો ચડાવું કે પાડો?
કે તને ખપે ખાલી આ બત્રીસલખણી જાત?
કે પછી કોઈએ કીધું તેમ
અમે જ આ પ્રથમીના વકરેલા વાઇરસ
અને તું ઍન્ટિવાઇરસ
– યદા યદા હી ધર્મસ્ય?
હાથમાં ખપ્પર ગળે મુંડમાલા લબકારા લેતી જીભ
જેવા વિકરાળ રૂપ ધર્યા વગર
અપલખણી મનેખ જાતનો સંહાર કરવા રણે ચડી છો તું?
આ બધું સાચું?
આપણામાંથી કોઈ સાચક માણા હોય ઈ બોલે – નરો વા કુંજરો વા નંઈ
સાવ સાચું બોલો ને કો’ક
બસ આ ખાલી ફિતૂર
કે કોઈ ચળિતર?

હજી સવારે જ યુનિવર્સિટી કૅમ્પસમાં લટાર મારવા ગ્યો’તો
ત્યાં તો બધું એ જ
એ જ ઝુલ્ફાંને રમાડતો કાનમાં કાંઈક કાંઈક વાતો કરતો પવન
એ જ ચૈત્રી લીમડાની અને મોગરાની માદક ગંધ
બુલ બુલ સાથે જુગલબંધી કરતું દૈયડ એ જ
એ જ નિરાંતે ઊંઘતું ગલૂડિયું
અને રાતે એ જ રમ્યચૈત્રરાત્રિ
એ જ ચોથનો ચંદ્ર.
આ સાચ હશે કે જૂઠ

‘ચેત મછંદર ગોરખ આયા.’
મકાનધણીના એક ધક્કે રાતોરાત રોડ પર આવી ગયેલાં
રેક્ઝિનની એક બૅગમાં બધી ઘરવખરી સમેટી
વતન જવા અરજીઓ આજીજીઓ કરતાં રખડતાં ટોળાંઓ
અંતે હાલી નીકળે છે પાટેવાટે.
થાકીને ઢીમ થઈ એવા તો ઊંઘ્યા
કે કચડાઈ મર્યા ભારખાના નીચે.
મુઝફ્ફરપુરના પ્લૅટફૉર્મ પર મરેલીને ઉઠાડવા
ઓઢણી ખેંચતું બાળક
રાતે કોઈ ને કોઈ ઘરના બારણે કોઈ ચોંટાડી જાય છે સ્ટીકર
કોઈ હાથ પર છપાઈ જાય છે શાહીનો સિક્કો
હવે એ ખોટો સિક્કો
ક્ષણવારમાં તો થઈ જાય છે પતિયો
તેનો પડછાયો
હવે ઓછાયો
પોતાનો જ થઈ જાય છે પારકો
બધે OTHERS કોઈ સગું નહીં વહાલું નહીં
બધે OTHERS, OTHERS, OTHERS
કોઈને સ્પર્શ્યા પસવાર્યા ભેટ્યાં ચૂમ્યાં ખોળે માથું મૂક્યા
ખભે માથું ઢાળ્યા થયા છે દિવસો
હવે તો હું જ સ્પશું છું મારા હાથ
કેમ જાણે હોય એ બીજાના હાથ
આ કોરોનાકાળમાં
માત્ર મડદાંઓ જ ભેટી રહ્યાં છે એકમેકને
– જાતજાતની જિંદગી જીવી હવે પોઢેલાં ઊભરાતાં મોર્ગમાં
થપ્પીબંધ કે હારબંધ ગોઠવેલાં મડદાંઓ.

કોરોનાની નજર ચૂકવી
અજમાવું છું રસોઈ શોમાંથી શીખેલી વાનગીઓ
ચાખું છું ચટાકેદાર મંચુરિયન રવાસૅન્ડવિચ અને સ્ટફ રોટલા
સાંભળું છું કોકિલકંઠી લતાનું ગાયન
પહેલીવાર જ યુટ્યૂબ પર સાંભળું છું
વિગતકાળની જન્મજન્માંતરની સ્મૃતિઓ ઉખેળતું આર્મેનિયન દુદુકનું વાદન
સાંભળું છું યોહાન્સ સ્ટ્રૉસનું ‘બ્લ્યૂ ડેન્યુબ’ વાલ્ટ્‌ઝ
અને સાંભળું છું મને મારા મૂળમાં રોપતા હેમુ ગઢવીને
બહોત કોશિશેં કી મગર દિલ ન બહેલા
કઈ સાઝ છેડે કઈ ગીત ગાયે.
ભલે હોય ટી.વી. સ્ક્રીન પર
પણ સામે જ દેખાય છે ઔરૈયામાં મજૂરોથી લથબથ ખટારા સાથે
માતેલા સાંઢ જેવા ટ્રકના અકસ્માતમાં આમતેમ વેરાયેલી લોહીઝાણ ચોવીસ લાશો
રોડ પર સુકાઈને કથ્થાઈ થઈ ગયેલાં લોહીના ઘટ્ટ રેલાઓ
બેકારીથી વાજ આવી ટીકડા ખાઈ, ગળે ફાંસો ખાઈ ડૅમમાં ઝંપલાવી
કે કેરોસીન છાંટી અગનપિછોડી ઓઢી જીવતર ટૂંકાવતા રોજ કોઈ ને કોઈ
વેન્ટિલેટર પર પવનચરખાના આછા તાંતણે ટકી લટકી રહેલાં
ડચકાતાં દરદીઓ

ફરી મેં લીધું તરણાંનું શરણું
વીડિયોમાં જોઈ સિંહને ઢીંકે ચડાવતી ઉલાળતી માતેલી ભેંસો
ઑનલાઇન મ્યૂઝિયમમાં લટાર મારી લુવ્રમાં ટીકી રહ્યો રહસ્યમય મોનાલિસાને
ક્લિયોપેટ્રાની શાહી સવારી જોઈ
ફરીવાર જોઈ શ્રી 420 ઝિવાગો અને મેકેનાઝ ગોલ્ડ
સાંભળ્યા કંઈ કેટલાય વેબ મુશાયરાઓ
સમાચાર છે કે દસકાઓ પછી
આકાશ નીલ નિરભ્ર
ધરતી ઋતુમતિ
ગંગા ફરી પુણ્યસલિલા
અને છેક જલંધરથી દેખાઈ હિમાલયની ધૌલાધાર પર્વતમાળા
‘અબ ભી દિલકશ હૈ તેરા હુસ્ન મગર ક્યા કિજે
લૌટ જાતી હૈ ઉધર કો ભી નજર ક્યા કિજે’
સાચોસાચ સામે દેખાય છે
એંઠવાડની કૂંડી પર બેસેલા કાગડાંવ ઉડાડી ઝટપટ બે કોળિયા ભાત ખાતી ડોશી.
શેરીમાં સંભળાય છે ઍમ્બ્યુલન્સનું સાયરન.
સ્વજનો વચ્ચે ઘરના ખાટલે
મરણ નથી રહ્યું હવે સુવાંગ.
‘તમે ગમે તે કરતાં હો છો ત્યારે
કોઈ મરી રહ્યું હોય છે
એક મિનિટ માટે પણ
એકલા સુવાંગ મરવાની ઇચ્છા છતાંય
કોઈ બીજું પણ મરતું હશે.
માટે જીવન વિશે તમને જો પૂછવામાં આવે
માત્ર જવાબ દો કોઈ મરી રહ્યું છે.’

અંકગણિતના ભોળા આંકડાઓ
હવે બન્યા છે દેશદુનિયાના દરદીઓના મૃતકોના ચડતાઊતરતા આંકડા
આંકડાઓ ક્યારેય ન હતા
આટલા ભયાવહ
ચિંતાજનક
આટલા શાતાદાયક
કે આટલા ભેદી
મૃતકોની ગરીબીની બેકારીની ચડતીઊતરતી ગ્રાફરેખાઓ કદી ન હતી
આટલી શારતી.
કોરોનાને રીઝવવા
થતા મંત્રજાપો દુઆઓ પ્રાર્થનાઓ વચ્ચે
સંભળાયા ગગનભેદી નારાઓ
‘કોરોના કો હરાના હૈ
હું છું કોરોના વૉરિયર’

કરડું હસતો કોરોના
મારે છે જાંઘ પર થાપ
‘તારું ચાલે તો મને ઉથાપ
લઈ આવ તારી અક્ષૌહિણી ચતુરંગિણી સેના
હું એકલો જ પૂરતો છું.’
પગે પડી હું કહું છું,
‘અમે અપરાધી કાંઈ ન સમજ્યા
ન ઓળખ્યા ભગવંતને’
પણ ધ્યાન રાખજે
અત્યારે ભલે ન ડરે અસ્ત્રથી કે શસ્ત્રથી
ન ગનથી ન ટેંકથી ન મિસાઇલથી કે ઍટમબૉમ્બથી
પણ જોજે તું ડરશે વેક્સિનના એક ટાઢા ટબૂકલાથી
પછી સાવ સોજી ગા જેવો થઈ જઈશ તું
જો કે કોને ખબર
ફોયણાં ફુલાવતો છીંકોટા મારતો
ભૂરાયો ખૂંટિયો થઈ તું ફરી આવે પણ ખરો.
અણીના ટાણે ઈશ્વરે આપ્યો છે છેહ
અને ચારેકોર તારો છે કાળો કેર
ભલે નીકળી પડ્યો હોય તું નરમેધ કરવા
પણ એટલું યાદ રાખ કે તમે બંને વસો છો અમારામાં જ
એક મનમાં
એક તનમાં
અમારા વિના તમે અધૂરા તમે નોધારા
અમારી સાથે જ નિશ્ચિત છે તમારું પણ નિકંદન
તમે છો ચતુર સુજાણ
થોડું કહ્યું છે ઝાઝું કરીને જાણજો
આથી વધારે
મારે કાંઈ કહેવું નથી.


(પરબ, જુલાઈ, 2020, પૃ.12-19)