અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/મા અને કાગડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મા અને કાગડી

યજ્ઞેશ દવે

ઈશ્વરે પહેલે દિવસે અજવાસ-અંધકાર છૂટા પાડ્યા,
બીજે દિવસે જળ નોખું પાડ્યું, આકાશ ઊંચે ચડાવ્યું
ત્રીજે દિવસે જળ ભેગું કરી સમંદર લહેરાવ્યા, ખંડ ખડક્યા
ઉપર અઢારભાર વનસ્પતિ વીંટી.
ચોથા દિવસે દિવસ રાત ઘડ્યાં, આખાશમાં ચાંદો સૂરજ તારલાઓ ટાંક્યા
પાંચમા દિવસે જળચર, ખેચર, ભૂચરની સૃષ્ટિ સર્જી
છઠ્ઠા દિવસે પોતાની ઇચ્છાએ પોતાની છાપ મુજબ નરનારી રચી
પૃથ્વી પર રમતાં મૂક્યાં
–ફળો ફૂલોના આશીર્વાદ આપી આખી પૃથ્વી ભોગવટે આપી,
ને
સાતમા દિવસે રવિવારે ઈશ્વરે થાકી જઈ રજા રાખી... એઈને લંબાવ્યું.
પણ,
માને રવિવાર નથી હોતો.
કહો કે માને કોઈ વાર જ નથી હોતો બધા વાર સરખા
ન તિથિ ન તહેવાર ન નેશનલ હોલિડે.
રવિવારે તો માને વધુ કામ હોય છે.
ચાદર ધોવામાં કાઢવાના, ઓશીકાના ગલેફ બદલવાના, આડીઅવળી
ચોપડી ગોઠવવાના, પસ્તી કાઢવાના, પંખો લૂછવાના, બરણી ધોઈ
અથાણું કાઢવાના, ફુદીનાની ચટણી બનાવવાના, બટન ટાંકવાના,
નિરાંતે માથું ધોવાના...
એવાં એવાં તો હજાર કામ હોય છે
– ને હાથ બે જ હોય છે.
રોજ સૂરજ તો ઊગે છે એના-પંચાંગના સમયે
પણ માનો દિવસ કલાકો વહેલો ઊગે છે
અને રાત કલાકો મોડી.
બપોર એક ઝોકું લેવાનોય જંપ નથી તેને.
માની નીંદર કઢેલા દૂધ જેવી ગાઢી નથી હોતી
માની ઊંઘા તો કાગાનીંદર
કશુંક સળવળે, સહેજે કોઈ કણસે તોય જાગી જાય.
કાયમની સોડ તાણતી વખતેય એમ નહીં વિચારે
‘કે લાવ જરા ઊંઘી લઉં’
એ તો ઉતાવળી હશે ફરી જનમવા.

નવ માસ પેટમાં પોઢાડી પીડાતી હરખાતી
એ જનમ તો આપે છે બાળકને
પણ છતાં જાણે હજીય
બેજીવી હોય તેમ જીવ્યા કરે છે આખી જિંદગી.

માના હાથમાં ઘોડિયાની દોરી હોય છે સતત
આપણી, પછી આપણા છોકરાંવની
ને તે પછીય તેના હીંચોળવાના ઓરતા ઓછા નથી હોતા.

મા હોય છે સાવ અબુધ
પોતે જ પરણાવ્યા પછીય યાદ નથી રહેતું
કે દીકરો હવે પરણેલો છે.
મા રાહ જોયા કરે છે
જનમવાની, ઘોડિયામાંથી ઊઠવાની, નિશાળેથી પાછો
આવવાની
નોકરીએથી હેમખેમ પાછો ફરવાની ક્યારેક તો પરદેશથી
પાછો આવશે તેની.
કાગડો મોભારે નથી બેઠો હોતો ત્યારેય મા તો
રાહ જોયા કરે છે કાગડી જેમ
વિમાસે છે કે ઉછેર્યાં એ ઈંડાં તેનાં પોતાનાં કે કોયલનાં?


(ચૂંટેલી કવિતા: યજ્ઞેશ દવે)