અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/કવિની નોંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિની નોંધ

યૉસેફ મેકવાન

શિશુની આંખ બની
કાલે હું, સૂર્યને ફુગ્ગો કહી હસીશ
—તો નવાઈ ન પામશો
કેમ કે તમે મને જાણો છો.
કાલે કદાચ—
હું ટહુકો બની સરકીશ ખેતર પરથી
તમે મને ઓળખી જ લેવાના — એ હું જાણું છું.
કાલે—
તમારી સંભાવના અને શક્યતાનાં વસ્ત્રો ઉપર
જોઈને મારી અગમ્ય આકૃતિઓ
તમને દગો નહીં દે તમારી આંખ
અને પ્રગટશે મારી યાદનું ફૂલ તમારામાં.
યાતનાઓનાં ઝાંખરાંમાં
ભરાઈ ગયેલા તમારા અશ્રુબિંદુમાં
ઝિલાઈ જશે કોઈનું હરિયાળું સ્મિત.
અને લહેરાઈ ઊઠશો થઈ લીલા કંચન
ત્યારે ઝીલી લેશો મારી આકાશી ઝાંય—
(કાનમાં કહું?)
મારા મૃત્યુ સાથે
મારા નામને દફનાવી તો જોજો!



આસ્વાદ: મુશ્કિલ હૈ, બહુત મુશ્કિલ — જગદીશ જોષી

‘ઈતરા’ના કવિ સુરેશ જોષીએ ‘કવિનું વસિયતનામું’માં કહ્યું, ‘કદાચ હું કાલે નહિ હોઉં.’ પણ કાવ્યની સમગ્ર આબોહવામાં કદાચ ‘કદાચ’ શબ્દનો અર્થ પણ બદલાઈ જતો લાગે. ડાકોર કહે છે ‘કવિ યુગે યુગે નૌતમા.’ કે નિરંજન એમ પણ કદી બેસે કે ચિતા પર સુવાડ્યા પછી પણ ‘માનવી/પાછો ફર્યો આ જગમાં, હતો કવિ.’

કહેવાનું તાત્પર્ય એ કે કવિ ફરી પાછો, પાછો ફરી, ફરી ફરી હોય છે જ — શબ્દ રૂપે, શબ્દ દ્વારા પ્રગટ થતા ભાવ રૂપે કે ભાવમાં ઓતપ્રોત થયેલી કલ્પના રૂપે. ખરેખર જુઓ તો સાચો કવિ ‘જતો’ જ નથી. તો પછી પાછા આવવાનો સવાલ જ અનુચિત લાગે છે.

પ્રસ્તુત કાવ્યમાં આ કવિ ભવિષ્યની પેઢી માટે એક માર્ગદર્શક નોંધ મૂકતા જાય છે. ફરી પાછો હું શિશુની આંખ બની જાઉં અને સૂર્યને ફુગ્ગો કહી બેસું તો તમારે નવાઈ ન પામવી. કારણ ‘તમે મને જાણો છો.’ આમ પણ, પ્રત્યેક કાવ્યના સર્જન વખતે કવિ પુનર્જન્મ ધારતો જ હોય છે. જે માણસ પાસે શિશુની આંખના કુતૂહલનું વરદાન નથી હોતું તે ખરેખર કવિ બનતો જ નથી. મહાકવિ થવા માટે શિશુની જ નહીં, પરંતુ ઈશુની પણ આંખ હોવી જોઈએ.

આ ઘોંઘાટિયા જગતમાં કવિ અવતરે છે લયબદ્ધ શબ્દ દ્વારા. આ કવિને પણ ભવભૂતિની જેમ ‘સમાનધર્મ’માં શ્રદ્ધા છે અને એટલે જ કહે છે ‘હું ટહુકો બની સરકીશ ખેતર પરથી’ ત્યારે તમે મને ઓળખી જ લેવાના એવી મારી શ્રદ્ધા છે. સામાન્ય માનવી ‘સંભાવના’ અને ‘શક્યતા’ના વાઘાઓ પરિધાન કરી એના સીમિત વિશ્લેષણક્ષમ જગતને વળગી રહેતો હોય છે; પણ એક વાર સાચી કવિતાનો ભાવકને પરિચય થાય પછી તો ગમે તેવી અગમ્ય આકૃતિ હોય તોપણ જાણભેદુની આંખ એને પામી જાય છે; અને ડોકાઈ જાય છે સ્મૃતિનું ફૂલ… કવિતાની – સાચી કવિતાની – પરખની એંધાણી આપતાં રૉબર્ટ ફ્રૉસ્ટ કહે છે, તમે કાવ્ય જોતાંની સાથે જ કહી બેસો કે ‘ના, ના, આ કાવ્ય તો ભુલાય જ નહીં એવું છે’ એ જ સાચી કવિતા.

સાચી કવિતા તો ‘સનાતન જખમ’ની કવિતા છે. યાતનાનાં ઝાંખરાંને કવિની કલ્પના એક હરિયાળા બાગમાં ફેરવી દે છે. ભાવકનું અશ્રુબિન્દુ કોઈકના હરિયાળા સ્મિતના સ્પર્શે લીલું કંચન થઈને લહેરાઈ ઊઠે અને ત્યારે ઝૂમી રહેલા ધરતીના દર્પણમાં આકાશી ઝાંય ઝિલાઈ જતી હોય છે. વેદનાને પણ વેદમાં ફેરવી નાખતી કવિની દૃષ્ટિ અને કવિતાની સૃષ્ટિ ભાવકને માટે એક નોળવેલની ગરજ સારે છે; જિન્દગીને ખમાવી ખમાવી એ જીવવા જેવી છે એનું ભાન કરાવે છે અને ભીતરથી જરૂરી ધીરજ પૂરી પાડે છે. એક વાર ઊર્મિતંત્ર હરિયાળા કંચન જેવું થયું પછી તો એ કંચન કથીર થવાનું જ નહીં. લોખંડને કાટ ચડે, સુવર્ણને નહીં…

કવિ એક બુલંદ વાતને વિશ્રંભકથાની અદાથી કૌંસમાં મૂકીને આપણા કાનમાં કહે છે કે તમારી સનાતન લાગણીને, કે પછી, લાગણીની સનાતનતાને મેં એવી તો મન ભરીને ગાઈ છે કે મારી હયાતીને, મારી કવિતાની હયાતીને તમારી આંખ ઓળખી જ લેવાની – ગમે તે આકૃતિ રૂપે. મારી અગમ્ય આકૃતિને, ગમે તે સંદર્ભમાં ઓળખી લેવાની તમારી આંખની શક્તિ પણ એવી જ અગમ્ય છે – જેવી નક્કર નજાકત હોય છે હવાના સ્પર્શમાં. કવિને શબ્દમાં કેટલી બધી શ્રદ્ધા છે કે ક્ષર દેહને દફનાવવો શક્ય છે પણ અ-ક્ષર દેહને દફનાવવાનું કોઈ સાચા ભાવકનું ગજું નથી. એટલે તો કવિ પડકારે છે કે

‘મારા મૃત્યુ સાથે મારા નામને દફનાવી તો જોજો!’

પોતાના કાવ્યસંગ્રહ ‘સ્વગત’ નામને સાર્થક કરે એવી સ્વગતોક્તિ જેવી કેટલીય સુંદર કૃતિઓ આપનાર આ કવિના પડકારને અવગણવો એ બહુ જ મુશ્કેલ કામ છે… (‘એકાંતની સભા'માંથી)